ગુજરાત
News of Saturday, 30th April 2022

સુરત:પાંચ લાખના ચેક રિટર્નના કેસમાં અદાલતે આરોપીને એક વર્ષની સજાની સુનવણી કરી

સુરત:શહેરમાં સ્ક્રેપની પેઢીના ભાગીદારે ભંગાર ખરીદીના એડવાન્સ પેટે આપેલા રૃ.5 લાખના લેણાંના પેમેન્ટ પેટે આપેલા ચેક રીટર્નના કેસમાં આરોપી સ્ક્રેપ ટ્રેડર્સને એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ જયકાંત પી.પરમારે દોષી ઠેરવી એક વર્ષની કેદ,ફરિયાદીને પાંચ લાખનું વળતર ન ચુકવે તો વધુ ત્રણ માસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

કડોદરા ખાતે ભુરીગામમાં સ્ક્રેપના ધંધા સાથે સંકળાયેલી વેલકમ મેટલ પેઢીના ફરિયાદી ભાગીદાર મુકેશ કાળુ ભીસરા (રે.જયભવાની સોસાયટી,વરાછા)ને ભંગારના ધંધા સાથે સંકળાયેલા આરોપી નિગમકુમાર મહેન્દ્ર ઠાકર (રે.સાંઈ પેલેસ એપાર્ટમેન્ટ,સરોલી ગામ ઓલપાડ રોડ) સાથે ધંધાકીય સંબંધોના નાતે પરિચય થયો હતો.જે દરમિયાન આરોપીએ મહારાષ્ટ્રમાં એલ્યુમિનિયમનો ભંગારનો મોટો માલ હોઈ વધુ નફાની લાલચ આપીને ફરિયાદી પાસેથી એડવાન્સ પેટે રૃ.5 લાખ મેળવ્યા હતા.ત્યારબાદ આરોપીએ માલ કે પૈસા પરત ન આપતાં ફરિયાદીએ વારંવાર ઉઘરાણી કરતાં આરોપીએ લેણી રકમના ચેક આપ્યા હતા. તે રીટર્ન થતા કોર્ટમાં ફરિયાદ નોંધાવાઇ હતી. સુનાવણી બાદ કોર્ટે આરોપીને દોષી ઠેરવી સજા-દંડ કર્યો હતો.

(7:01 pm IST)