ગુજરાત
News of Monday, 30th January 2023

જુનીયર કલાર્ક પેપરલીંક મામલે અેટીઅેસ દ્વારા તમામ આરોપીઓની ધરપકડ કરવામં આવી છે

કોર્ટ દ્વારા આરોપીઓના ૧ર દિવસના રીમાન્‍ડ મંજુર કર્યા

ગાંધીનગરઃ નિયર ક્લાર્ક પરીક્ષા પેપરલીંક મામલે ગુજરાત એટીએસ દ્વારા એક પછી એક તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે.

પેપરલીંક કૌભાંડનો મુખ્ય આરોપી જીત નાયકને હૈદરાબાદથી ગુજરાત લાવવામાં આવ્યો હતો. ત્યારે જીત પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા જીત નાયકે પેપર ચોરી કરી પ્રદીપને આપ્યું હતું. ગુજરાત એટીએસ હજુ પણ આ કેસમાં એક વોન્ટેડ આરોપીને શોધી રહી છે.

જુનિયર ક્લાર્ક પેપરલીંક કૌભાંડ મામલે એટીએસની ટીમ દ્વારા સ્ટેકવાઈસ ટેકનોલોજી કોચિંગ સેન્ટર પર પહોંચી છે. જ્યાં કોચિંગ સેન્ટરની અંદર એટીએસના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. આરોપીઓના રિમાન્ડ મળ્યા બાદ એટીએસ દ્વારા કોચિંગ સેન્ટર પર તપાસ કરવામાં આવી રહી છે.

રાજ્યના લાખો બેરોજગાર યુવાઓને રાતે પાણીએ રોવડાવનાર પેપરકાંડના આરોપીઓને વડોદરા કોર્ટમાં રજૂ કરાયા હતા. વડોદરાની કોર્ટમાં 15 આરોપીઓને રજૂ કરાયા હતા. ATS દ્વારા ઉલટ તપાસની 14 દિવસના રિમાન્ડની માંગ સાથે આરોપીઓએ કોર્ટમાં લઈ જવાયા હતા. કોર્ટ દ્વારા આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજુર કરાયા છે. 10 ફેબ્રુઆરી સુધી 15 આરોપીઓના રિમાન્ડ મંજૂર. રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં નવા ધડાકા ભડાકા થઈ શકે છે. આ મામલે સરકારી વકીલ અનિલ દેસાઈનુ નિવેદન સામે આવ્યું છે. હાલ 15 આરોપીની ATS એ ધરપકડ કરી છે.વકીલના જણાવ્યા અનુસાર પ્રદીપ નાયક અને ટોળકી રૂ.7 થી 9 લાખમાં પેપર વેચતા હતા.

સરકારી વકીલ અનિલ દેસાઈએ કહ્યું કે...

સરકારી વકીલ અનિલ દેસાઈએ નિવેદન આપતા જણાવ્યું કે આરોપીઓએ પેપરના નાણાં નક્કી કર્યા હતા. જેથી હવે વેચાણ કિંમત અને આ પ્રકરણમાં કયા કયા લોકો સંડોવાયેલા છે તે મામલે તપાસ થશે. આરોપીના 12 દિવસ માટે પોલીસ કસ્ટડી સોંપવામાં આવી છે. જેમાં આડકતરી રીતે કે સીધી રીતે જોડાયેલા લોકોની તપાસ થશે. વધુમાં યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરવાનો પ્રયાસ છે. જે તમામ વિરુદ્ધ અલગ અલગ કલમો લગાવવા આવી છે.

ઉમેદવારોમા આક્રોશનો જ્વાળા ભભૂકી રહ્યો છે

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનારા જૂનિયર ક્લાર્કની પરીક્ષાનુ પેપર લીક થતા પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. આથી ઉમેદવારોમા આક્રોશનો જ્વાળા ભભૂકી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે ગઈકાલે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત ફાળવવા માંગ કરાઈ છે. આ મામલે ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત રજુઆત કરવામાં આવી છે. ઉમેદવારોના રોષને ધ્યાને લઇ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કચેરી ખાતે પુરતો પોલીસ સ્ટાફ તૈનાત રાખવા રજુઆતના અંતમાં જણાવ્યું હતું.

(10:52 pm IST)