ઈડરના માઢવા ગામમાં પોતાના જ ઘરમાંથી 11.75 લાખની ચોરી કરી યુવતી યુવક સાથે રફુચક્કર થઇ જતા ચકચાર મચી જવા પામ્યો
ઇડર: શહેરના માઢવા ગામની યુવતી ગામના જ અન્ય એક યુવક સાથે મળી તેના જ ઘરમાંથી સોના-ચાંદીના ઘરેણા તથા રોકડ અને એ.ટી.એમ. કાર્ડથી મેળવેલી રકમ મળી રૂપિયા ૧૧.૭૫ લાખની મતાની ચોરી કરી ફરાર થઇ જતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના અંગે યુવતિની માતાએ જાદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
માઢવા ગામે રહેતી એક યુવતિએ ગત તા. ૨૧ના રોજ સવારે ગામના એક યુવક સાથે મળી તેના જ ઘરમાંથી ચોરી કરી હતી. યુવતિના માતા-પિતા ઘરે હાજર નહોતા તેવામાં આ બંનેએ મળી તીજોરીમાંથી સોનાનો દોરો, નેકલેસ, બે જોડ બુટ્ટી, ત્રણ વીંટી, ત્રણ તોલાના બાજુબંધ, બે લોકીટ, વધુ એક સોનાનો દોર તથા પાંત્રીસ તોલાની ચાંદીની ઝાંઝર, જુના છડા તેમજ પચાસ તોલાના ચાંદીના અન્ય દાગીના મળી રૂપિયા ૭,૬૫,૫૦૦ના ઘરેણા ઉપરાંત રૂપિયા ૧,૧૦,૦૦૦ રોકડા અને એ.ટી.એમ. કાર્ડથી ઉપાડેલી રૂપિયા ૩,૦૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૧૧,૭૫,૫૦૦ની મતાની ચોરી કરી બંને ફરાર થઇ ગયા હતા.