ગુજરાત
News of Thursday, 29th October 2020

સુરતના અમરોલી વિસ્તારમાં રમતા રમતા અન્ડરગ્રાઉન્ડ ટાંકીમાં ફસાઈ જતા પુત્રીનું મૃત્યુ નિપજતા પરિવારની માથે આભ ફાટ્યું

સુરત: શહેરના અમરોલી વિસ્તારમાં બુધવારે સવારે મહિલા સફાઈ કામમાં વ્યસ્ત હતા ત્યારે તેમની પુત્રી રમતા રમતા પાણીની ટાંકીમાં પડી જતા મોતને ભેટી હતી.

સ્મીમેર હોસ્પિટલ અને પોલીસ સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ અમરોલી વિસ્તારમાં સૃષ્ટિ સોસાયટીમાં રહેતા શરદભાઈ વઢેલ સાડા ત્રણ વર્ષીય પુત્રી ટીયા બુધવારે સવારે ઘરના દાદર પાસે આવેલી અન્ડરગ્રાઉન્ડ ટાંકી નજીકમાં રમતી હતી, જ્યારે તેની માતા દિવાળી સહિતના સફાઈ કામમાં વ્યસ્ત હતા, ત્યારે અચાનક બાળકી અંડરગ્રાઉન્ડ ટાંકીનુ ઢાંકણ ખુલ્લું હોવાથી ટાંકીમાં પડી ગઈ હતી. બાદમાં તેમની માતાને બાળકી દેખાઈ ન હતી. જેથી તે આમતેમ શોધવા ગયા હતા.

એટલું જ નહિ પણ આજુબાજુના લોકો પણ બાળકીને શોધવા લાગ્યા હતા. તે દરમિયાન અચાનક કોઈની નજર અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીના ખુલ્લા ઢાંકણ પર પડી હતી. જેથી તેણે ટાંકીમાં જોતા બાળકી મળી આવી હતી. જેથી બાળકીને બહાર કરી તરત સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઇ હતી, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.

(5:43 pm IST)