ગુજરાત
News of Thursday, 29th October 2020

ચેકડેમ, ગોકુળગ્રામ, ફોર ટ્રેક વગેરે કેશુભાઇની ભેટ

કોઠાસૂઝવાળા કેશુબાપાની કામગીરીને લોકો વર્ષો સુધી યાદ રાખશે : ગુંડાગીરી સામે ધબધબાટી બોલાવેલ

રાજકોટ, તા.ર૯ : આજે રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી કેશુભાઇ પટેલનું અવસાન થતાં ઘેરો શોક છવાયો છે. બાપાએ તેમના કાર્યકાળમાં કોઠાસૂઝથી કરેલા કાર્યો આજે પણ લોકો યાદ કરી રહ્યા છે. ગુંડાગીરી સામે સખ્તાઇ ઉપરાંત કુંવરબાઇનું મામેરૂ, ગોકુળગ્રામ, ચેકડેમ, રાજકોટ-અમદાવાદ ફોર ટ્રેક વગેરે તેમના શાસનની ભેટ છે. તેમણે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે સોમનાથ મંદિર સંકુલ અને આસપાસના વિસ્તારોની કાયાપલટ કરવામાં સિંહફાળો આપ્યો છે.

શ્રી કેશુભાઇએ ૧૯૯પમાં ૮ મહિના અને ૧૯૯૮થી ૩II વર્ષ ગુજરાતની ધુરા સંભાળેલ પોતે ખેડૂતપુત્ર હોવાથી ખેડૂતોની સમસ્યાઓ સારી રીતે સમજતા હતાં. તેમને શરૂ કરાવેલ ચેકડેમ યોજના આજે ખેડૂતો માટે આશિર્વાદરૂપ બની છે. ૧૯૯૯માં રાજકોટના જળસંકટ વખતે તેમને વાંકાનેર બોર યોજના કરાવી હતી.

રાજકોટ-અમદાવાદ હાઇ-વે પર વારંવાર થતા જીવલેણ અકસ્માતો નિવારવા તેમણે ફોર ટ્રેક કરાવ્યો હતો.

ગોકુળગ્રામ યોજના બાપાનો ડ્રીમ પ્રોજેકટ હતો જેમાં ગામડાઓના સર્વાંગી વિકાસનો હેતુ હતો.  સી.એમ. બન્યા પહેલા ગુંડાગીરી સામે લડત ચલાવેલ. મુખ્યમંત્રી તરીકે ગુંડાગીરી સામે કડક પગલા ભરી જબ્બર લોક ચાહના મેળવી હતી.

(4:04 pm IST)