ગુજરાત
News of Thursday, 29th October 2020

૧૨ દિ'માં ૧૩.૫૦ લાખ ખેડૂતોને રૂ ૧૦૦૦ કરોડ ચૂકવાયા

અતિવૃષ્ટિ સહાય માટે ૩૭૦૦ કરોડનું પેકેજ જાહેર કરાયેલ છે : ૧૮ લાખ અરજીઓ આવી

રાજકોટ,તા. ૨૯: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૃપાણીએ ચોમાસાના ઉતરાર્ધમાં ભારે વરસાદના કારણે ૧૨૩ તાલુકાઓમાં ખેતીને થયેલ નુકશાનીના વળતર પેટે રૂ ૩૭૦૦ કરોડનું પેકેજ જાહેર કરેલ. કૃષિ વિભાગના સચિવ મનીષ ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ પબ્લિક ફંડ મેનેજમેન્ટ સિસ્ટમથી ખેડૂતોના ખાતામાં અભૂતપૂર્વ ઝડપે નાણા જમા કરવામાં આવી રહ્યા છે.

સરકારે ૨૭ લાખ ખેડૂતો લાભાર્થી બનવાના અનુમાન મુજબ રૂ ૩૭૦૦ કરોડનું પેકેજ બનાવેલ ગઇ કાલે રાત સુધીમાં ૧૮ લાખ જેટલી ઓનલાઇન અરજીઓ આવેલ. હજુ છેલ્લી તા. ૩૧ સુધીમાં વધુ પચાસેક હજાર અરજીઓ આવવાની ધારણા છે. પહેલા નોરતાથી ગઇ કાલ રાત સુધીમાં ૧૩.૫૦ લાખ ખેડૂતોને રૂ ૧૦૦૦ કરોડ જેટલી સહાય ચુકવાઇ ગઇ છે. હજુ બીજા ૨૦૦ થી ૫૦૦ કરોડ ચૂકવવાના થાય તેવો અંદાજ છે. કુલ પેકેજ ૧૫૦૦ કરોડ આસપાસ પૂર્ણ થાય તેવી ધારણા છે. લાભાર્થી પ્રત્યેક ખેડૂતોના ખાતામાં નુકશાનીના વિસ્તાર મુજબ રૂ ૫ થી ૨૦ હજાર મળવાપાત્ર છે. ૧૨ દિવસ જેટલા ટુંકા ગાળામાં રૂ ૧૦૦૦ કરોડ ખેડૂતોના ખાતામાં જમા કરાયા હોય તેવું ગુજરાતમાં પ્રથમ વખત બન્યું છે.

(12:05 pm IST)