ગુજરાત
News of Thursday, 29th September 2022

કાલે પીએમ મોદી ગૌ પોષણ યોજનાનું કરશે લોન્ચિંગ: 500 કરોડની યોજના થઈ શકે જાહેર

અંબાજીથી આ યોજનાના વિધિવત લોંચિંગ પ્રસંગે પ્રતિક રૂપે પાંચ જેટલી ગૌ શાળા અને પાંજરાપોળને સહાયની રકમ અર્પણ કરશે.

અમદાવાદ : રાજ્યભરમાં ગૌશાળા પાંજરાપોળોને સરકારે જાહેર કરેલી રૂપિયા 500 કરોડની સહાય ના ચૂકવતાં ગૌશાળા પાંજરાપોળના સંચાલકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યાં આ સ્થિતિ વચ્ચે વડાપ્રધાન મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદી નવરાત્રીના પાવન પર્વ અવસરે આવતીકાલે આદ્યશક્તિ ધામ અંબાજીથી ગુજરાતના ગૌ વંશ અને ગૌ માતાના રખરખાવ, નિભાવ માટેની ‘મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના’નું લોંચિંગ કરશે.

મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના આપણી ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતા અને કામધેનુ તરીકેના અપાયેલા પૂજનીય સ્થાન અને મહત્વને ઉજાગર કરતી યોજના છે.રાજ્યમાં જે ગૌ-શાળા પાંજરાપોળ આવા ગૌ-વંશ અને ગાય માતાની નિભાવણી કરે છે, તેમને આર્થિક સહાયરૂપ થવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ યોજના ૨૦૨૨-૨૩ ના બજેટમાં જાહેર કરી છે.
વડાપ્રધાન આદ્યશક્તિધામ અંબાજીથી આ યોજનાના વિધિવત લોંચિંગ પ્રસંગે પ્રતિક રૂપે પાંચ જેટલી ગૌ શાળા અને પાંજરાપોળને સહાયની રકમ અર્પણ કરશે.

નોંધનીય છે કે, ગૌશાળા પાંજરાપોળોમાં ઢોરોના નિભાવ માટે આવતું દાન બંધ થતાં પાંજરાપોળના સંચાલકોએ સહાયની માગણી કરતાં સરકારે રૂપિયા 500 કરોડની સહાય જાહેર કરી હતી, જોકે છ મહિના બાદ પણ સહાય પેટે એકપણ રૂપિયો ન ચૂકવતાં સંચાલકોએ અનેક રીતે આંદોલન કર્યા હતા તેમ છતાં સરકારના પેટનું પાણી ન હલ્યુ નહતું ત્યારે હવે આગામી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે જેના પરિણામે 500 કરોડની યોજના જાહેર કરવામાં આવી શકે છે.

(8:04 pm IST)