ગુજરાત
News of Thursday, 18th January 2018

અમદાવાદ સહિત રાજ્યમાં ફરી થયેલો ઠંડીનો અનુભવ

અમદાવાદમાં પારો ગગડીને ૧૨.૭ ડિગ્રી થયોઃ રાજ્યમાં આગામી બે ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં તબક્કાવાર ફરીવાર ઘટાડો થશે : નલિયામાં ૯.૪ ડિગ્રી

અમદાવાદ, તા.૧૮, અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ફરી એકવાર ઘટાડો થતાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન ઘટીને ૧૨.૭ ડિગ્રી થયું હતું જે ગઇકાલે ૧૬.૪ ડિગ્રી રહ્યું હતું. જ્યારે પાટનગર ગાંધીનગરમાં ૧૦.૪ ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું હતું જે બુધવારના દિવસે ૧૪.૫ ડિગ્રી તાપમાન રહ્યું હતું. નલિયામાં પણ લઘુત્તમ તાપમાન ઘટીને ૯.૪ થયું હતું. લઘુત્તમ તાપમાનમાં આગામી બે ત્રણ દિવસ દરમિયાન વધુ ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. અમદાવાદમાં પણ આવતીકાલે પારો ગગડી શકે છે.હાલના તાપમાન વચ્ચે રાજયના અનેક વિસ્તારોમાં શરદી, ખાંસી, દમ, અસ્થમા જેવા રોગના દર્દીઓની હાલત કફોડી બની જવા પામી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે મિશ્ર સ્થિતિ જોવા મળી રહી છે. ઠંડી અને ગરમીનું પ્રમાણ હોવાના કારણે લોકો પરેશાન થયેલા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં અવિરત વધારો થવાના કારણે હવે ઇન્ફેક્શન સબંધિત બિમારીનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. રાજયમાં સરહદી જિલ્લા એવા કચ્છના નલિયાની સાથે બનાસકાંઠાના ડિસા સહિતના રણને અડીને આવેલા વિસ્તારોમાં વસતા લોકોને હવે પહેલાની સરખામણીમાં ઠંડીથી રાહત થઇ છે. કારણ કે લઘુત્તમ તાપમાનમાં હવે પહેલાની સરખામણીમાં વધારો થઇ ચુક્યો છે. હવે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. સવારમાં ઠંડી અને બપોરના ગાળામાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આવી સ્થિતિમાં રાજયમાં ઉંમરલાયક વૃધ્ધોની સાથે બાળકો અને શ્વાસને લગતી વિવિધ બીમારીનો શિકાર એવા લોકો માટે વહેતા થતા ઠંડા પવનોને કારણે મુસીબતમાં વધારો થવા પામ્યો છે. હાલમાં ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે.

(9:57 pm IST)