સુરતઃ બેનને હેરાન કરતા રોનીક મોરડિયા ઉપર કોંગ્રેસ અગ્રણી જીજ્ઞેશ મેવાસાનો હિચકારો હુમલો
મોટર કારથી કચડી નાખવા પ્રયાસઃ તલવારના ઘા ઝીંકયાઃ બળાત્કારના ગુનામાં જામીન ઉપર છુટેલ રોનીક
સુરત તા. ૧૮ : બહેનને બ્લેકમેલ કરનાર સુરતના રોનિક ઉપર કતારગામ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડેલા જીજ્ઞેશ મેવાસાએ ફિલ્મી ઢબે હુમલો કર્યો હતો જીજ્ઞેશ મેવાસાએ પોતાની કારથી રોનિકને કચડી નાખવાનો પ્રયાસ કર્યા બાદ તેના પર તલવાર જેવા હથિયારથી ઘા ઝીકયાં હતા મેવાસાની બહેન સાથે સંબંધો અને હેરાનગતિના મામલે આ હુમલો કરાયાનું જાણવા મળે છે.
ગીર ગઢડાના જીંજાવદર ગામના ભીમજીભાઇ મોરડિયા સુરતમાં કતારગામ વિસ્તારમાં રાશિ સર્કલ પાસે આવેલા શિવનગરમાં રહે છે. મોહનભાઇનો પૂત્ર રોનિક ઉર્ફે જેનીસ માથાભારે પ્રકૃતિનો છે. તેને ત્રણેક વર્ષથી જીજ્ઞોશ મેવાસા સાથે માથાકૂટ ચાલી રહી છે તાજેતરમાં વિધાનસભાની કતારગામ બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા જીજ્ઞેશ મેવાસાની બહેનને જેનીશ ભગાવી ગયો હતો.રોનિક સામે આ મામલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવાય હતી. બળાત્કારના આ ગુનામાં રોનિકે લાંબો જેલવાસ ભોગવ્યો હતો. આ પ્રકરણમાં જામીન ઉપર છૂટયા બાદ તેણે ફરી મેવાસાની બહેનની હેરાનગતિ કરવા માંડતાં તે રોષે ભરાયો હોવાનું કહેવાય છે. મેવાસા આ મોરડિયાને પાઠ ભણાવવા તેને શોધતો ફરતો હતો. દરમિયાનમાં તેને એવી માહિતી મળી હતી કે રોનિક મોરડિયા તેના ઘરે માતાપિતાને મળવા આવ્યો છે.
આ માહિતી મળતાં જ મેવાસાએ તેના મળતિયાઓ સાથે કાળી કારમાં જેનીસના ઘર નજીક ફિલ્ડીંગ ગોઠવી હતી.
આ દરમિયાન રોનિક તેની ગાડીમાંથી કોઇ સામાન કાઢવા માટે પિતા સાથે બહાર નિકળ્યો હતો. તેણે ગાડીની ડીકી ખોલી ત્યાં જ મેવાસા એન્ડ કંપનીએ તેઓની કાર પુર ઝડપે જેનીસ તરફ હંકારી તેને કચડી નાંખવા પ્રયાસ કર્યો હતો. રોનિક થોડો ખસી જતાં મેવાસાની કાર ધડાકાભેર તેની ગાડી સાથે ભટકાઇ હતી. ત્યારબાદ કારમાંથી મેવાસાના માણસો તલવાર જેવા હથિયાર સાથે ઉતર્યા અને રોનિક ઉપર હુમલો કર્યો હતો.ઉપરા છાપરી ઘા મારી આ ટોળકી અકસ્માતગ્રસ્ત કારમાં જ ફરાર થઇ ગઇ હતી.
આ હુમલામાં ઘવાયેલા રોનિકને સારવાર માટે કિરણ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. કતારગામ પોલીસે મેવાસા અને તેના ત્રણ સાગરિતો સામે હત્યાનો પ્રયાસ કરવા અંગે ગુનો નોંધ્યો છે. મેવાસા હુમલા બાદ સાયણ તરફ ભાગ્યો હતો.