વડોદરાના કલાલી વિસ્તારમા બેકરીના બાથરૂમમાં પાંચ ફૂટનો મગર જોવા મળતા અફડાતફડી મચી જવા પામી
વડોદરા: શહેરના કલાલી વિસ્તારમાં એક બેકરીના બાથરૃમમાં રાત્રે આશરે પાંચ ફૂટ લાંબો મગર ઘૂસી જતા અફરાતફરી મચી ગઇ હતી.
આ અંગેની વિગત એવી છે કે કલાલી ગામમાં મુખ્ય રોડ પર આવેલી સેજલ બેકરીની બાજૂમાં જ દંપતી માલિક દ્વારા બાથરૃમ બનાવાયું છે. ગઇરાત્રે રોડની સામેની સાઇડથી એક મગર રોડ ક્રોસ કરીને સીધો બેકરીની બાજૂમાં બનાવેલા બાથરૃમમાં ઘૂસી ગયો હતો. મગરની આવનજાવન ત્યાંથી પસાર થતાં રાહદારીએ જોઇ તો તે ગભરાઇ ગયો હતો અને બેકરીમાં ઊંઘી ગયેલા દંપતીને જગાડયું હતું.
આ અંગે બાદમાં જીવદયાપ્રેમીઓને જાણ કરતા જીવદયાપ્રેમીઓ વનખાતાના કર્મચારીઓ સાથે ત્યાં પહોંચી ગયા હતા અને બાથરૃમમાં પહોંચી ગયેલા મગરને બહાર કાઢી તેનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. મોડી રાત્રે બાર વાગ્યાની આસપાસ મગરના રેસ્ક્યૂની કામગીરી દરમિયાન અનેક લોકો ભેગા થઇ ગયા હતાં.