આણંદ નજીક ગામડી ગામે ખેતરમાંથી અજાણ્યા શખ્સો પાંચ ચંદનના વૃક્ષો ચોરી છુમંતર થઇ જતા પોલીસ ફરિયાદ
આણંદ: આણંદ પાસેના ગામડી ગામની શીરાની ઓર સીમમાં આવેલ ખેતરમાંથી કોઈ અજાણ્યા ચોર શખ્સો રૂા.40 હજારની મતાના ચંદનના પાંચ વૃક્ષની ચોરી કરી લઈ ગયા હોવાનો બનાવ આણંદ શહેર પોલીસ મથકે નોંધાયો છે. પોલીસે અજાણ્યા ચોર શખ્સો વિરુધ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ નજીક આવેલ ગામડી ગામે રામજી મંદિર પાસે દરવાજામાં રહેતા કમલેશકુમાર ચંદુભાઈ પટેલનું ગામની શીરાની ઓર સીમમાં ખેતર આવેલ છે. ગત તા.24મી નવેમ્બર-2022ના સાંજના 6-00 કલાકથી તા.25મી નવેમ્બર સવારના 8:00 વાગ્યાના વચ્ચેના કોઈપણ સમયગાળા દરમ્યાન અજાણ્યા ચોર શખ્સોએ તેઓના ખેતરને નિશાન બનાવી ખેતરમાંથી પાંચ જેટલા ચંદનના વૃક્ષો ચોરી કરી લઈ ગયા હતા. જેની અંદાજિત કિં.રૂા.40 હજાર જેટલી થવા જાય છે. આ બનાવ અંગે કમલેશભાઈ પટેલે આણંદ શહેર પોલીસ મથકમાં ફરીયાદ આપતા પોલીસે અજાણ્યા ચોર શખ્સો વિરુધ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.