ગુજરાત
News of Saturday, 28th November 2020

સબંધો શર્મસાર :7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી સગાકાકાએ સાગરીત સાથે મળી હત્યાનો પ્રયાસ કર્યો

સગાકાકા અને તેનો રિક્ષા ચાલક મિત્ર ફરવાના બહાને ઘરેથી લઈ જઈને હેવાનોએ દુષ્કર્મ આચર્યું : માથામાં બોથડ પદાર્થ મારતા બેહોશ

અમદાવાદ ગ્રામ્યના હાથીજણ વિસ્તારમાં અવાવરૂ જગ્યાએ 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી સગાકાકાએ સાગરીત સાથે મળી તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. વિવેકાનંદનગર પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ વટવા જીઆઇડીસી વિસ્તારમાં રહેતી 7 વર્ષની બાળકીને તેના સગાકાકા અને તેનો રિક્ષા ચાલક મિત્ર શુક્રવારે બપોરે ફરવાના બહાને ઘરેથી લઈ ગયા હતા. બાળકીને આરોપીઓ હાથીજણ વિસ્તારમાં ફરવા લઈ ગયા હતા. જ્યા બાળકી પર હેવાનોએ દુષ્કર્મ આચર્યું હતું.

બાળકી આ બાબતે લોકોને જાણ કરી દેશે તો પોતાનો ભાંડો ફૂટી જશે. તેવા ડરથી આરોપીઓએ બાળકીને માથામાં બોથડ પદાર્થ મારતા બેહોશ થઈ ગઈ હતી. બાળકી મરી ગયાનું સમજી આરોપીઓ તેણે રિક્ષામાં લઇ ઘરના કમ્પાઉન્ડમાં મૂકી જઈ રહ્યા હતા

તે સમયે બાળકીની માતા ત્યાં આવી ગઈ હતી. પુત્રીની હાલત જોઈ બુમાબુમ કરી હતી. ભાગવાનો પ્રયાસ કરતા આરોપીઓને લોકોએ પકડી મારમાર્યા હતા. બન્ને આરોપીઓને વટવા પોલીસને સોંપવામાં આવતા તમામ હકીકત બહાર આવી હતી. જોકે બાળકી પાર આરોપીઓએ હાથીજણ પાસેની અવાવરૂ જગ્યાએ દુષ્કર્મ આચર્યાનું બહાર આવતા મામલો વિવેકાનંદનગર પોલીસે સંભાળ્યો હતો. આ અંગે વિવેકાનંદનગર પોલીસે બન્ને આરોપીઓ વિરૂધ્ધ પોકસો એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી

અમદાવાદ ગ્રામ્યના એસપી વિરેન્દ્રસિંગ યાદવએ જણાવ્યું હતું કે, માસૂમ બાળકી સાથે નિર્લજ્જ કૃત્ય આચરનાર આરોપીઓ પોલીસ નજર હેઠળ છે. બન્નેનો કોવિડ ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. જેના રિપોર્ટ બાદ ધરપકડની કાર્યવાહી કરવામાં આવશે.

(9:48 pm IST)