ગુજરાત
News of Saturday, 28th November 2020

અમદાવાદ:કોરોના અંગેની સુનવણીમાં હાઇકોર્ટે કરી રાજ્ય સરકારને ટકોર:માસ્ક ન પહેરનાર લોકોને કોવીડ સેન્ટરમાં આંઠ દિવસ કામ કરાવવું જોઈએ

અમદાવાદ:કોરોના અંગે હાથ ધરાયેલી સુઓમોટો સુનાવણીમાં આજે હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી હતી કે માસ્ક ન પહેરનારાં લોકો પાસેથી માત્ર એક હજારના દંડની જોગવાઇ પૂરતી નથી, તેમની પાસે કોવિડ સેન્ટરમાં ઓછામાં ઓછા આઠ દિવસ કોમ્યુનિટી સર્વિસ કરાવવી જોઇએ.

ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે માસ્કના નિયમ અંગેની વધુ સુનાવણી પહેલી ડિસેમ્બરના રોજ નિયત કરી છે અને રાજ્ય સરકારને જવાબ આપવા નિર્દેશ કર્યો છે, આ ઉપરાંત ખંડપીઠે ટકોર કરી છે કે જો આ સમય દરમિયાન રાજ્ય સરકાર કોઇ નિર્ણય લે અને પરિપત્ર જાહેર કરે તો સારી બાબત છે, નહીંતર કોર્ટ જરૂરી આદેશો આપશે.

કોરોનાના કેસમાં ફરી આવેલા ઉછાળના કારણે હાઇકોર્ટમાં જાહેર હિતની રિટ દ્વારા માગણી કરવામાં આવી છે કે માસ્ક ન પહેરનારા લોકો પાસેથી લેવાતા દંડની રકમ વધારવી જોઇએ અને બીજીવાર માસ્ક વગર કોઇ વ્યક્તિ પડકાય તો તેની પાસે નોનમેડિકલ કોવિડ સેન્ટરમાં કોમ્યુનિટી સર્વિસ કરાવવી જોઇએ.

(5:11 pm IST)