વડોદરાના અકોટા ગાર્ડન નજીક ઝાડ પર પુરુષની લટકતી લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી
વડોદરા: અકોટા ગાર્ડન નજીક એક બંધ બંગલામાં ચંપાના ઝાડ પર લટકતી લાશ પર એફ.ઓ.પી.ની નજર પડતા તેણે પોલીસને જાણ કરી હતી.પોલીસે સ્થળ પર જઇને ફાયરબ્રિગેડની મદદથી લાશ નીચે ઉતારી હતી.મૃત પુરૃષની ઓળખ માટે જે.પી.રોડ પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસ ડિપાર્ટમેન્ટને મદદ કરતા એફ.ઓ.પી.જહીરભાઇ ગત મોડી રાતે અકોટા ગાર્ડન પાસેથી પસાર થતા હતા.ત્યાં સીગારેટ પીવા ઉભા રહેલા જહીરભાઇની નજર ઝાડ પર લટકતી લાશ પર પડી હતી.જેથી,તેમણે જે.પી.રોડ પોલીસને જાણ કરી હતી.જે.પી.રોડ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ.રમેશભાઇએ સ્થળ પર જઇને જોતા અકોટા ગાર્ડન થી હનુમાનજીના મંદિર તરફ જવાના રોડ પર આવેલી વિહાર સોસાયટીનાં બંધ બંગલાના કંપાઉન્ડમાં ચંપાના ઝાડ પર લાશ લટકતી હતી.જેથી,ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર જવાનોએ સ્થળ પર આવી લાશ નીચે ઉતારી હતી.મૃતકે સફેદ કલરનું શર્ટ અને બ્લૂ કલરનું પેન્ટ પહેર્યુ હતું.તેણે માથા પર ચાંલ્લો કર્યો હતો.પોલીસે લાશને પી.એમ.માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી.
પોલીસનું અનુમાન છે કે,મૃતક પોતાની ઓળખ ના થાય તે માટે આયોજન કરીને જ આવ્યો હશે.તેની ઓળખ થાય તેવો એકપણ દસ્તાવેજ તેની પાસેથી મળી આવ્યો નથી.પોલીસે છેલ્લા ત્રણ ચાર દિવસમાં ગુમ થયેલા લોકોની વિગતો મંગાવી છે.