ગુજરાત
News of Tuesday, 28th June 2022

વડોદરાની 8 વર્ષની રયાના પટેલ અને સનાયા ગાંધીએ 6 દિવસ સુધી ટ્રેકીંગ કરીને 26 કિ.મી.નું અંતર કાપીને હિમાલય સર કર્યો

કોઇપણ ટ્રેનીંગ લીધા વગર કેદારકાંઠા અને કાશ્‍મીરના તરસર-મારસરમાં પર્વતારોહણ કર્યુ

વડોદરા: તમે હિમાલય પર્વત સર કર્યો હોય એવા તો અનેક સમાચાર સાંભળ્યા હશે, પરંતુ શું તમે માત્ર આઠ વર્ષની ઉંમરની બે બાળકીઓ હિમાલય પર્વત સર કર્યો હોય એવું કદી સાંભળ્યું છે. નહીં સાંભળ્યું હોય, પરંતુ આ હકીકત છે. વડોદરાની માત્ર 8 વર્ષની બે બાળકીએ હિમાલય પર્વત સર કર્યો છે. બન્ને બાળકીઓનો નામ રયાના પટેલ અને સનાયા ગાંધી છે, જેઓ અનેક સંઘર્ષ બાદ હિમાલય પર્વત સર કર્યો છે.

બન્ને દીકરીઓએ હિમાચલમાં 15 હજાર ફૂટની ઊંચાઈએ આવેલા બુરાન ઘાટી પાસ પર ટ્રેકિંગ કરીને કઠિન સિદ્ધિ હાંસલ કરી છે. રયાના પટેલ અને સનાયા ગાંધીએ માત્ર 6 દિવસ સુધી ટ્રેકિંગ કરી 26 કિલોમીટરનું અંતર કાપી બુરાન ઘાટી પાર કરીને પહોંચ્યા છે. બન્ને બાળકીઓ ત્રીજા ધોરણમાં ભણે છે અને બંને બાળકીઓએ અત્યાર સુધી ત્રણ વખત પર્વતારોહણ કરી ચૂકી છે. જેમાં ઉત્તરાખંડના કેદારકાંઠા અને કાશ્મીરના તરસર મારસર ખાતે પર્વતારોહણ કરી ચૂકી હોવાની માહિતી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, વડોદરાની માત્ર આઠ વર્ષની રયાના પટેલ અને સનાયા ગાંધી નવરચના ઈન્ટરનેશનલ સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણે છે અને બંને બાળકીઓ ખુબ ઉત્સાહી પર્વતારોહકો છે. અત્યાર સુધી ત્રણ વખત કઠીન પર્વતમાળાઓ પર પર્વતારોહણ કરી ચુકી છે. કોઈપણ ટ્રેનીંગ લીધા વિના તેઓએ કેદારકાંઠા અને કાશ્મીરના તરસર મારસર ખાતે પર્વતારોહણ કર્યું છે. તેઓ બંને ઉત્તરાખંડના કેદાર કાંઠા પર ચડ્યા ત્યારે સાકરી ગામથી ટ્રેકની શરૂઆત કરી અને બે દિવસમાં જ આશરે 24 કિલોમીટરનું અંતર પૂર્ણ કર્યું હતું. જ્યારે તરસર માલસર પહોંચવા માટે છ દિવસમાં 55 કિલોમીટર પૂર્ણ કરી પેહેલગામની અરુ ખીણમાંથી ટ્રેકિંગની શરૂઆત કરી હતી. માત્ર આઠ વર્ષની બાળકીઓને સપોર્ટ માટે કુલ 13 સભ્યો તેમની સાથે હતા. તેમ છતાં ઘણા પડકારોનો પણ સામનો કરવો પડ્યો હતો.

મહત્વનું કે, વડોદરાની બન્ને બાળકીઓએ શિમલાથી આગળ જંગલીક ગામથી ટ્રેકિંગની શરૂઆત કરી. આ સ્થળે 9 હજાર મીટરની ઊંચાઈએ આવેલું છે. ત્યાંથી છ દિવસ સુધી ટ્રેકિંગ કરીને 18 જૂન સુધી લગભગ 26 કિલોમીટરનું અંતર કાપીને તેઓ બુરાન ઘાટી પાસ પર પહોંચ્યા હતા.

(5:08 pm IST)