ગુજરાત
News of Tuesday, 28th June 2022

અગ્નિપથ યોજનાને લઈને સુરતમાં આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન લઇ કલેકટર કચેરી સામે હલ્‍લાબોલ

સુરત યુથ કોંગ્રેસ દ્વારા આકરા સૂત્રોચાર કરી તાત્કાલીક અગ્નિપથ યોજનાને પરત ખેંચવા માંગ ઉઠાવી

સુરત : અગ્નિપથ યોજનાને લઈને સુરતમાં આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

જેમાં યૂથ કોંગ્રેસ અને સુરત શહેર, જિલ્લા કોંગ્રેસના આગેવાનો- કાર્યકારોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રેલી યોજી હતી. શહેરના અઠવાગેટ MTB કોલેજથી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા યોજાઇ હતી. આ તકે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા આકરા સૂત્રોચાર અને બેનરો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા.

સુરત યુથ કોંગ્રેસ દ્વારા આકરા સૂત્રોચાર કરી તાત્કાલીક અગ્નિપથ યોજનાને પરત ખેંચવા માંગ ઉઠાવી હતી. ઉગ્ર માંગને લઈને મામલો ગરમાયો હતો. જેને પગલે પોલીસે દોડી જઈ મામલો શાંત કરવા કોંગ્રેસની યુવા પાંખના નતાઓ, કાર્યકરોની અટકાયત કરી હતી. આ દરમિયાન ધક્કામૂકીમાં કોંગ્રેસના આગેવાન નિકુંજ પરનેરિયાંને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું હતું જેથી તેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા.

ભારતમાં એક બાજુ અગ્નિપથ યોજનાને લઈ વિરોધ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ તાજેતરમાં એરફોર્સમાં જાહેર થયેલી અગ્નિપથ યોજનાની 3000 જગ્યાઓ માટે ત્રણ દિવસમાં 56960 અરજીઓ મળી છે. વિરોધ છતાં પણ મોટા પ્રમાણમાં ઉમેદવારો દ્વારા અરજી કરાઇ છે. નોંધનિય છે કે, કેન્દ્ર સરકારે 14 જૂને અગ્નિપથ યોજના રજૂ કરતી વખતે કહ્યું હતું કે, 17 થી સાડા 21 વર્ષની વયજૂથના યુવાનોને ચાર વર્ષની મુદત માટે ભરતી કરવામાં આવશે, જેમાંથી 25 ટકાને સામેલ કરવામાં આવશે. ભારતીય વાયુસેના (IAF)એ કહ્યું કે, તેમને અગ્નિપથ યોજના હેઠળ 3000 અગ્નિવીરોની નિમણૂક માટે માત્ર ત્રણ દિવસમાં 56,960 અરજીઓ મળી છે. સ્કીમ સામે હિંસક વિરોધ થયાના એક સપ્તાહ બાદ શુક્રવારે નોંધણી શરૂ થઈ હતી.

અગ્નિવીરોની તાલીમ 30 ડિસેમ્બરથી શરૂ થશે. દેશના ઘણા ભાગોમાં આ યોજનાનો હિંસક વિરોધ થયો હતો. સરકારે 16 જૂને વર્ષ 2022 માટે આ યોજના હેઠળ ભરતી માટેની ઉપલી વય મર્યાદા 21 થી વધારીને 23 વર્ષ કરી હતી. ઉપરાંત, બાદમાં તેમની નિવૃત્તિ પછી, કેન્દ્રીય અર્ધલશ્કરી દળો અને જાહેર ક્ષેત્રના સંરક્ષણ ઉપક્રમોમાં તેમના માટે પસંદગી જેવા અનેક પગલાંની જાહેરાત કરવામાં આવી હતી.

(12:27 am IST)