ગુજરાત
News of Tuesday, 28th March 2023

અદાણીના ૨૩ હજાર કરોડના ભ્રષ્ટાચારનો પીએમ મોદી જનતા સમક્ષ ખુલાસો કરે

સુરત કોંગ્રેસ કેન્‍દ્ર સરકાર ઉપર આક્રમક

સુરત તા.૨૮ : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સભ્‍ય પદ રદ થવાના વિરોધમાં રાજ્‍યના સુરત શહેરમાં કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી.જે પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રવક્‍તા નૈષદ દેસાઈએ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્‍યું હતું કે, અદાણી tv દ્વારા ૨૩ હજાર કરોડનું ભ્રષ્ટાચાર કરવામાં આવ્‍યો છે, તેની તાત્‍કાલિક ધોરણે તપાસ કરી વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી દેશની જનતા સમક્ષ તેનો ખુલાસો કરે.

જોઈન્‍ટ પાર્લામેન્‍ટરી કમિટી દ્વારા તેની તપાસ કરવામાં આવે.સાથે જ રાહુલ ગાંધીના સભ્‍ય પદ રદ થવા અંગે સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારી કોંગ્રેસે બતાવવામાં આવી છે.

સુરત શહેર કોંગ્રેસ જિલ્લા સમિતિની ભટાર સ્‍થિત ઈશ્વર ફાર્મ ખાતે પત્રકાર પરિષદ મળી હતી.માનહાની કેસમાં રાહુલ ગાંધી સામેના સુરત કોર્ટના ચુકાદા બાદ સભ્‍ય પદ રદ થતાં સુપ્રીમ કોર્ટમાં જવા અંગેની તૈયારી કોંગ્રેસ દ્વારા દર્શાવવામાં આવી છે.આ અંગે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રવક્‍તા નૈષદ દેસાઈએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્‍યું હતું કે, લોકતંત્રને બચાવવાનું ભગીરથ કાર્ય વિપક્ષ અને મીડિયાએ કરવાનું છે.

અદાણીએ ૨૩ હજાર કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે.જે ભ્રષ્ટાચાર શોધી પીએમ મોદીએ દેશની જનતા સમક્ષ ખુલાસો કરવો જોઈએ.મોરેસિયસથી આવેલા ૨૩ હજાર કરોડ નાણાં કયાંથી આવ્‍યા અને શા માટે આવ્‍યા તેની પણ તપાસ થવી જોઈએ.જોઈન્‍ટ પાર્લામેન્‍ટરી બોર્ડની કમિટી દ્વારા આ ભ્રષ્ટાચારની તપાસ થવી જોઈએ અને જનતા સમક્ષ તેને પ્રદર્શિત કરી ખુલાસો કરવો જોઈએ.ભ્રષ્ટાચારના નાણાં સામે કડક કાર્યવાહી કરવામાં આવે.રાહુલ ગાંધી સામેના ચુકાદા અને સભ્‍ય પદ રદ કરવાના કિસ્‍સામાં કોંગ્રેસ પક્ષ ન્‍યાયતંત્રને બચાવવા સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવવા કાર્યવાહી હાથ ધરી રહી છે.

(4:02 pm IST)