ગુજરાત
News of Friday, 27th November 2020

સિધ્ધપુર ખાતે તર્પણ વિધી ઉપર પ્રતિબંધ

રોજ સેંકડો લોકો આવતા હોય કોરોના સંક્રમણ વધવાની શકયતાથી કલેકટરે લીધેલું પગલું

પાટણ,તા. ૨૭:  સિદ્ઘપુરના માધુ પાવડિયા ઘાટ અને સરસ્વતી નદીના પટમાં તર્પણ વિધિ માટે રોજના હજારો શ્રદ્ઘાળુઓ આવે છે ત્યારે કોરોના વાયરસના સંક્રમણની શકયતાઓને ધ્યાને લઈ જિલ્લા કલેકટર સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા તર્પણ વિધિ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

સરસ્વતી નદીમાં કારતક સુદ એકમથી કારતક સુદ પુનમ સુધી તર્પણનો અનેરો મહિમા હોઈ પ્રતિવર્ષ લાખો શ્રદ્ઘાળુઓ તર્પણ વિધિ માટે આવતા હોય છે. ચાલુ વર્ષે કોરોના વાયરસના સંક્રમણનું જોખમ હોવા છતાં પ્રતિદિન હજારોની સંખ્યામાં શ્રદ્ઘાળુઓ તર્પણ વિધિ માટે આવે છે. જેને ધ્યાને લઈ જિલ્લા કલેકટર સુપ્રીત સિંદ્ય ગુલાટી દ્વારા સિદ્ઘપુરમાં તર્પણ વિધિ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

જિલ્લા કલેકટરએ જણાવ્યું કે, માધુ પાવડિયા ઘાટ અને આસપાસની ભૌગોલિક પરિસ્થિતિ અને પ્રતિદિન આવતાં શ્રદ્ઘાળુઓની સંખ્યા જોતાં સામાજિક અંતર જળવાવાની શકયતાઓ નહિવત્ છે. માટે બીજી સુચના ન મળે ત્યાં સુધી સિદ્ઘપુરમાં તર્પણ વિધિ પર પ્રતિબંધ રહેશે.

વધુમાં કલેકટરએ જણાવ્યું કે, તર્પણ એ લોકોની આસ્થા સાથે જોડાયેલો વિષય છે. જેના પ્રતિ વહિવટી તંત્ર સંવેદનશીલ છે, પરંતુ પ્રવર્તમાન પરિસ્થિતિમાં જાહેર હિતને ધ્યાને લઈ આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

(12:58 pm IST)