ગુજરાત
News of Tuesday, 27th July 2021

હત્યાનો ભેદ ઉકેલાયો : વલસાડ જિલ્લામાં ચકચાર મચાવનાર વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલતી પોલીસ

જમાઈએ જ દાદીજી સાસુની હત્યા નિપજાવી લૂંટને અંજામ આપ્યો હોવાનો ખુલાસો

(કાર્તિક બાવીશી દ્વારા) વલસાડ જિલ્લા પોલીસ  વડા ડો રાજદીપસિંહ ઝાલા ડિટેકશન મામલે અંગત રસ લઈ તાત્કાલિક ભેદ ઉકેલી કાઢે છે તેમના માર્ગદર્શન થી વલસાડ જિલ્લા પોલીસ અનેક ભેદનો ઉકેલ લાવી છે વલસાડ જિલ્લાના વાપીમાં થોડા દિવસ પહેલા થયેલી એક વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે વૃદ્ધાની હત્યા મામલે તેની પૌત્રીના જ પતિની ધરપકડ કરી છે. જમાઈએ મુંબઈથી વાપી આવી દાદીજી સાસુની હત્યા નિપજાવી ઘરમાંથી રોકડ અને ઘરેણાની લૂંટ ચલાવી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આરોપી જમાઈની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

  વલસાડ જિલ્લાના વાપી ખાતે આવેલા સરવૈયા નગરમાં રહેતા 68 વર્ષીય અમીનાખાતુન તેના દીકરા અને પરિવાર સાથે રહેતા હતા. 22 જુલાઈએ બકરી ઇદના દિવસે દીકરો તેના પરિવાર સાથે તેના સાસરે ગયો હતો. 23 જુલાઈના રોજ અમીના ખાતુનના દીકરાની દીકરીનો પતિ અચાનક આવી પહોંચ્યો હતો. ઘરના જમાઈને ઇદના બીજા દિવસે ઘરે આવતા જોઈને વૃદ્ધાએ જમાઈને આવકાર આપ્યો હતો. દાદી સાસુ જમાઈ માટે રસોડામાં સેવૈયા કાઢી રહી હતી. તે દરમિયાન જમાઈએ દાદી સાસુને ગળે ફુટો આપીને વૃદ્ધાની હત્યા કરી હતી. હત્યા બાદ જમાઈએ ઘરમાંથી રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી હતી. વૃદ્ધા જીવતી હોવાની બીકે જમાઈએ દાદી સાસુને છરીના 25 ઘા માર્યા હતા. ઘરમાંથી લૂંટ ચલાવી ભાગી ગયો હતો.

   વાપી પોલીસે ઘટનાના પગલે ઘટના સ્થળે પહોચી ઝીણવટ ભરી રીતે તપાસ હાથ ધરી હતી. વલસાડ પોલીસની ટેક્નિકલ એનાલિસિસ, મોબાઈલ નેટવર્ક એનાલિસીસી તેમજ બાતમીદારોની મદદ વડે આરોપીનું પગેરું મેળવી આરોપીઓને ઝડપી પાડયા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં રસોડાના પ્લેટફોર્મ ઉપર સેવૈયા ભરેલા કાંચના ગ્લાસને જોઈને પોલીસને કોઈક પરિવારનો સભ્ય અથવા તો ખાસ ઓળખ ધરાવનાર વ્યક્તિએ હત્યા કરી હોવાની આશંકા દેખાઈ રહી હતી. જેના આધારે વલસાડ પોલીસે મુંબઈથી આરોપીના ઘરેથી આરોપી મોહમદ અનિસ મુનાવર ખાન જે મુંબઈ ખાતે AC રિપેરીંગનું કામ કરે છે. પોલીસે આરોપીને મુંબઈ તેના ઘરેથી ઝડપી પ્રાથમિક પૂછપરછ કરતા આરોપીએ પોતાનો ગુનો કબુલ્યો હતો.
  આરોપી પરિવારનો જમાઈ હોવાથી તેના સસરા અને સાસુ ઇદ મનાવવા મુંબઇ ગયા હોવાનું જાણતો હતો. સાથે પોતાના AC રિપેરીંગના ધંધામાં આર્થિક બેકારી આવી જતા આરોપી આર્થિક સંકળામણમાં મુકાઈ ગયો હતો. જેથી તેને વાપીમાં દાદી સાસુ એકલા હોવાની જાણ થતાં મુંબઈથી ટ્રેનમાં વાપી આવી દાદી સાસુની હત્યા કરી ઘરે લૂંટ ચલાવી પરત મુંબઇ જતો રહ્યો હતો. લૂંટેલા સોનાના ઘરેણાં મુંબઈના એક જવેલર્સમાં વેચી દીધા હતા. કુલ 4 લાખની લૂંટ ચલાવી હતી.

(10:39 am IST)