વડોદરાના ભાઇકાકા પાર્ટી પ્લોટના માલિકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી જીવનલીલા સંકેલી લેતા ચકચાર મચી જવા પામ્યો
વડોદરા: હાઇવે આજવા ચોકડી પાસે આવેલા ભાઇ કાકા પાર્ટી પ્લોટના માલિકે રહસ્યમય સંજોગોમાં જંતુનાશક દવા પીને જીવન ટૂંકાવ્યું છે.જે અંગે બાપોદ પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,આજવારોડ સયાજીપુરા ગામમાં રહેતા સંજય નારણભાઇ પટેલ ખેતી કામ કરે છે.અને હાઇવે પર આજવા ચોકડી નજીક તેમનો ભાઇ કાકા નામનો પાર્ટી પ્લોટ છે.ગત તા.૧૭ મી એ તેમણે રહસ્યમય સંજોગોમાં જંતુનાશક દવા પી લેતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આઠ દિવસની સારવાર બાદ તેઓનું મોત નિપજ્યું છે.સંજય પટેલે આપઘાત કર્યો હોવાની શક્યતાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.પોલીસને તેમના મોબાઇલમાંથી પણ કોઇ એવી વસ્તુ મળી નથી.તેમજ કોઇ અંતિમ ચિઠ્ઠી પણ હાથ લાગી નથી.જેથી,તેમના મોતનું રહસ્ય અકબંધ છે.સંજય પટેલની એક દીકરી વિદેશમાં છે.જ્યારે તેમનો પુત્ર અહીંયા જ રહેતો હતો.તેમના સંબંધી હિરેનભાઇએ જણાવ્યું હતું કે,સંજયભાઇએ આપઘાત કર્યો નથી.પરંતુ,તેઓ ભૂલથી દવા પી ગયા હતા.