ગુજરાત
News of Saturday, 27th February 2021

આ ડાળ ડાળ જાણે કે રસ્તા રાજકારણના, પ્રચાર એ બીજુ કૈં નથી, પગલા ચૂંટણીના...

કાલે લોકશાહીનો 'વસંતોત્સવ': મતદારો મતના 'કેસુડા' ખીલવશે

૮૧ નગરપાલિકાઓ અને ર૬ર પંચાયતોનું મતદાનઃ રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ સહિત કુલ ૬૬પ૪ બેઠકોઃ રરર૧૬ ઉમેદવારો

રાજકોટ તા. ર૭ :.. રાજયની નગરપાલિકાઓ અને તાલુકા - જિલ્લા પંચાયતોમાં જાહેર પ્રચાર ગઇકાલે સાંજે પૂર્ણ થયા બાદ આવતીકાલે રવિવારે સવારે ૭ થી ૬ સાંજે ૬ વાગ્યા સુધી મતદાન છે. મંગળવારે મત ગણતરી થશે. આજે રાજકીય કતલની રાત છે. ઉમેદવારોએ મતદાન મથક પરની વ્યવસ્થા અને વ્યકિતગત સંપર્ક પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. રાજય ચૂંટણી પંચે આયોજનને આખરી ઓપ આપ્યો છે. સંવેદનશીલ મતદાન મથકો પર વિશેષ બંદોબસ્ત ગોઠવાશે.

રાજકોટ સહિત ગુજરાતની ૩૧ જિલ્લા પંચાયતો, ર૩૧ તાલુકા પંચાયતો અને ૮૧ સુધરાઇઓ લોકશાહીનું પર્વ ઉજવી રહી છે. ર૦૧પ માં કોંગ્રેસને ર૩ જીલ્લા પંચાયતો અને ૧૪૬ તાલુકા પંચાયતોમાં સતા મળી હતી તે વખતે કોર્પોરેશનો પંચાયતોમાં સતા મળી હતી. તે વખતે કોર્પોરેશનો અને પંચાયતોની મત ગણતરી એક જ દિવસે હતી. આ વખતે છ એ છ કોર્પોરેશનોમાં ભાજપ તરફી પરિણામો આવ્યા છે. ૮૧ નગરોમાં સામાન્ય અને પેટાચૂંટણી સહિત ૬૯૭ બેઠકો માટે ૭ર૯૧ ઉમેદવારો મેદાનમાં છે.

રાજયમાં મુખ્યત્વે ભાજપ-કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા છે. આમ આદમી પાર્ટી અને અન્ય રાજકીય પક્ષો અપક્ષો મેદાને છે. ભાજપે વિકાસના નામે મત માંગ્યા છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષોએ નવાકૃષિ કાયદા, પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવ, પોલીસ દ્વારા વસુલાતો દંડ વગેરે મુદા ગજાવ્યા છે. સ્થાનીક ચૂંટણી હોવાથી સ્થાનીક મુદાઓ વધુ બળવાન રહે તે સ્વભાવિક છે. તાલુકા-જિલ્લા પંચાયતોની પ૭પ૭ બેઠકો માટે ૧૪૯રપ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. બધા ઉમેદવારો - જીતના દાવા કરી રહ્યા છે. કોના દાવામાં કેટલો દમ છે ? તે મત ગણતરી વખતે સામે આવી જશે. સ્થાનિક ચૂંટણીઓએ રાજકીય રોમાંચ જગાડયો છે.

(11:27 am IST)