ગુજરાત
News of Wednesday, 27th January 2021

વીમાકંપનીને રૂ. ૮.૫૭ લાખ ચુકવી આપવા વલસાડ ગ્રાહક ફોરમનો હુકમ

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : ૩ વર્ષ પૂર્વે અકસ્માતમાં કારને નુકસાન થયા બાદ વાપીની ટાટા એઆઈજી જનરલ ઈન્સ્યુરન્સ કંપની લિમિટેડે વિમાની વળતરની રકમ ચૂકવવામાં ગલ્લાંતલ્લાં કરતા વલસાડનાં ગ્રાહક તકરાર નિવારણ ફોરમે ગ્રાહકને રૂ.૮,૫૭,૦૨૫ ચુકવી આપવા વિમાકંપનીને હુકમ કરી વીમા કંપનીને લપડાક આપી છે.
આ કેસની મળતી વિગતો મુજબ દાદરા નગર હવેલી આમલીમાં તિરુપતિ રેસિડન્સીમાં રહેતા પુરારામ માલારામજી પટેલ તેમની કાર નંબર ડીએન ૦૯ કે ૦૧૫૨ નો વીમો વાપી નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર આવેલી ટાટા એઆઈજી જનરલ ઈન્સ્યુરન્સ કંપની લિમિટેડે પાસેથી કઢાવ્યો હતો.
તા. ૨૨.૦૭.૧૭ ના રોજ તેઓ મિત્રો સાથે જવાહર ગામ તરફથી કારમાં જઈ રહ્યા હતા, ત્યારે સામેથી પૂરઝડપે આવતી કારને કારણે તેમની કાર સાઇડે લેવા જતા કાર પલટી ગઈ હતી. જેમાં બધાને ઈજા પણ થઈ હતી. કારને નુકશાન થતાં તેમણે નુકશાની રકમ મેળવવા માટે વીમા કંપનીઓમાં ક્લેઇમ કર્યો હતો. પરંતુ વીમા કંપનીએ ગલ્લાતલ્લા કરી વળતરની રકમ ચૂકવવા ઇન્કાર કર્યો હતો. પરિણામે પુરારામે વલસાડના વિદ્વાન ધારાશાસ્ત્રી સિદ્ધાર્થ એસ. શાહનો સંપર્ક કરી વલસાડની ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ દાખલ કરી હતી. જેમાં વિદ્વાન વકીલની દલીલો ગ્રાહ્ય રાખી ગ્રાહક તકરાર નિવારણ ફોરમના ઇન્ચાર્જ પ્રમુખ એમ.એચ. ચૌધરીએ વીમા કંપનીને રૂ. ૮,૫૭,૦૨૫ નું વળતર ૭ ટકા વ્યાજ સાથે હુકમ થયાની તારીખથી ૩૦ દિવસમાં ચૂકવી દેવા વીમા કંપનીને હુકમ કર્યો છે. સાથોસાથ ફરિયાદીને શારિરીક માનસિક ત્રાસ અને ફરિયાદ ખર્ચના વળતર પેટે રૂ. ૨૫૦૦ અલગથી આપવા પણ આદેશ કર્યો છે.

(6:41 pm IST)