ગુજરાત
News of Wednesday, 27th January 2021

અમદાવાદમાં દારૂનો દરોડો પાડવા ગયેલ પોલીસને દારૂના બદલે રૂ.૩૭ લાખ રોકડા મળ્યા

અમદાવાદ: ઇસનપુર વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા પોલીસ જવાનોને મંગળવારે બપોરે ભાડૂઆતનગરના શ્યામ સાંઈ એપાર્ટમેન્ટમાં દારૂનો મોટો જથ્થો ઉતર્યાની બાતમી મળી હતી. પોલીસે બાતમી મુજબ, ફ્લેટમાં રેડ કરતા દારૂનો જથ્થો તો નહીં પણ સ્કોટલેન્ડ બનાવટની એક બોટલ મળી હતી. જો કે પોલીસે વધુ તપાસ કરતા ફ્લેટના બે રૂમમાંથી રૂ.37 લાખની રોકડ મળી આવી હતી.

પોલીસે ઘરમાં હાજર મહિલાને રોકડ અને દારૂની બોટલ બાબતે પૂછતાં એક મહિના અગાઉ તેમના પતિ રોકડ અને બોટલ લાવ્યાનુ મહિલાએ જણાવ્યું હતું. પોલીસે આ અંગે મહિલા અને તેના પતિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઇસનપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ વેલુભા સાથી કર્મચારીઓ સાથે પેટ્રોલિંગમાં હતા. ઐ આ દરમિયાન ભાડૂઆતનગર શ્યામ સાંઈ એપાર્ટમેન્ટ પાસે આવતા તેઓને બાતમી મળી હતી કે, એપાર્ટમેન્ટના બીજા માળે રહેતા શાર્દુલ કર્મવીર ચન્દ્રાત્રેએ તેના મકાનમાં ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઉતાર્યો છે.

પોલીસે બાતમી આધારે પંચોને સાથે રાખી શાર્દુલ ચન્દ્રાત્રેના ફ્લેટ પર જઈ દરવાજો ખખડાવતા મહિલાએ ખોલ્યો હતો. પોલીસે શાર્દુલ વિશે પૂછતાં મહિલાએ તેના પતિ બહાર ગયા હોવાનું જણાવ્યું હતું. પોલીસે બાતમી મળ્યાની જાણ કરીમહિલાને રેડ કરવા આવ્યાની માહિતી આપી હતી.

પોલીસે મહિલાને સાથે રાખી રેડ કરતા બેડરૂમના કબાટમાંથી સ્કોટલેન્ડ બનાવટની રૂ.3 હજારની કિંમતની ઇંગ્લિશ દારૂની એક બોટલ મળી હતી. જે બાદ પોલીસે કબાટમાં પડેલી સ્કૂલ બેગ ચેક કરતા તેમાંથી રૂ. 6,35,720ની રોકડ, બેડરૂમમાં પડેલા પેટી પલંગમાંથી બીજા રૂ.25,94,000 અને બીજા બેડરૂમમાંથી કબાટના લોકરમાંથી રૂ.5 લાખ બીજા મળ્યા હતા.

પોલીસે દારૂની બોટલ અને રૂ.37,29,280ની રોકડ રકમ કોણ અને ક્યાંથી લાવ્યું? તે અંગે મહિલાની પૂછપરછ કરી હતી. મહિલાએ પોલીસને જણાવ્યું કે, તે પોતે સોનલ ચન્દ્રાત્રે શાર્દુલ ચન્દ્રાત્રેની પત્ની છે. રોકડ રકમ અને દારૂની બોટલ તેમના પતિ એક માસ અગાઉ ઘરમાં લાવ્યા હતાં.

ઈસનપુર પોલીસે રોકડ રકમ અને દારૂની બોટલ કબ્જે લઈ આરોપી શાર્દુલ ચન્દ્રાત્રે અને તેની પત્ની સોનલ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(5:04 pm IST)