ગુજરાત
News of Wednesday, 27th January 2021

સુરતના 42 વર્ષીય મહિલા બાઇકર દુરૈયા તપિયા 35 દિવસની ટ્રક રાઇડ પર નીકળી

દેશના 13 રાજ્યોના 4500 ગામડાઓ અને 10 હજારથી વધુ કિમીની સફર ખેડશે: જે તે રાજ્યોના ડેલિગેટ્સ અને મંત્રીઓ અને નેતાઓ પણ મળશે

સુરત :બાઇકર્સ તરીકે વિખ્યાત સુરતની 42 વર્ષીય દુરૈયા તપિયા વધુ એક સાહસ ખેડવા જઈ રહી છે. 26મી જાન્યુઆરીથી દેશવ્યાપી ટ્રક રાઇડ પર નીકળી છે. પ્રધાનમંત્રી મોદીના સ્વચ્છ ભારત અભિયાન, સશક્ત નારી,સશક્ત ભારત અને આત્મનિર્ભર ભારત મિશનની સાથે જ કોવિડ-19 થી સુરક્ષિત રહેવાના સંદેશને જનજન સુધી પહોંચાડવા આ દેશવ્યાપી રાઇડનું દુરૈયા તપિયાએ આયોજન કર્યું છે.વોરા સમાજની 42 વર્ષીય બાઇકર્સ દુરૈયા તપિયા 26 જાન્યુઆરીથી દેશવ્યાપી ટ્રક રાઇડ પર નીકળી છે.

26મી જાન્યુઆરીના રોજ સુરત ના સાંસદ દર્શના જરદોષ ફ્લેગ ઓફ કરી અને દુરૈયાના રાઇડની શરૂઆત કરાવી હતી. રાઇડ દરમિયાન દુરૈયા તપિયા પોતે સતત 35 દિવસ સુધી ટ્રક ડ્રાઈવ કરશે. આ દરિમયાન તે 13 રાજ્યોના 4500 ગામડાઓ અને 10 હજારથી વધુ કિમીની સફર ખેડશે. દૂરૈયા તપિયા આ સાહસ વિશે જણાવ્યું હતું કે, આ રાઇડનો ઉદ્દેશ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન , સશક્ત નારી, સશક્ત ભારત અને આત્મનિર્ભર અભિયાનને જન જન સુધી પહોંચડવાનો છે. સાથે જ ગામડાઓની પ્રજાને કોવિડ-19  મહામારી પ્રત્યે જાગૃત કરવાનો છે. આ માટે દરેક ગામડાઓમાં જઈને લોકોને નિશુલ્ક માસ્ક, સેનેટાઇઝેર, પેડ અને ડસ્ટબીનનું વિતરણ કરવાની સાથે જ કોરોનાથી કેવી રીતે બચી શકાય તે અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ પણ કરાશે.

 

13 રાજ્યોની સફર દરમિયાન દુરૈયા જે તે રાજ્યોના ડેલિગેટ્સ અને મંત્રીઓ અને નેતાઓ પણ મળશે. ઠેકઠેકાણે દુરૈયાનું સ્વાગત પણ થશે. રાઇડનું અંતિમ ડેસ્ટીનેશન કેવડિયાનું Statue of Unity હશે અને ત્યારબાદ સુરત ખાતે રાઇડનું સમાપન થશે.

દુરૈયા તપિયાએ સતત ત્રણ મહિના સુધી આ રાઈડ માટે ટ્રેનિંગ લઈને લાઈસન્સ મેળવ્યું હતુ. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ દુરૈયાને આ સાહસ માટે શુભેચ્છા પાઠવી છે. 35 દિવસ સુધી એકલા હાથે ટ્રક ચલાવી 13 રાજ્યોની સફર ખેડવા માટે દુરૈયા તપિયાએ પ્રોફેશનલ ડ્રાઈવરની જેમ ટ્રેનિંગ લઈ હેવી લાઈસન્સ મેળવ્યું છે.

દુરૈયા તપિયા સુરતમાં બાઇકર્સ તરીકે પ્રખ્યાત છે. તેઓ અનેક બાઈક સાહસ કરી ચૂક્યા છે. ભારત ભ્રમણ સાથે જ સિંગાપોર સુધી બાઇક રાઇડ કરી ચૂક્યા છે.

(12:25 pm IST)