ગુજરાત
News of Tuesday, 26th October 2021

રાજયમાં વીજઉત્પન્ન કરતા 14963 મેગાવોટ ક્ષમતાના પ્રોજેક્ટAસ કાર્યરત : :દેશની કુલ સ્થાપિત ક્ષમતામાં ગુજરાતનો 15 ટકા હિસ્સો

ઔદ્યોગિક, વાણિજ્યક અને રહેણાંકીય ક્ષેત્રે કુલ 1444 મેગાવોટ સોલાર રૂફટોપ સિસ્ટમની સ્થાપના સાથે ગુજરાત દેશમાં પ્રથમ

અમદાવાદ : હાલના સમયમાં વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિને પહોંચી વળવા બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતોની મહત્વતા વધતી જાય છે. આ સંદર્ભે ગુજરાત સરકારે બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતો પર સવિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. જે અંતર્ગત રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન  મોદીના વિઝનરી નેતૃત્વમાં વર્ષ 2009માં કલાઈમેટ ચેન્જ અંગે અલાયદો વિભાગ શરૂ કરી ગુજરાત એશિયામાં પ્રથમ સ્થાને રહ્યું છે.

આજે રાજ્યમાં બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોત જેવા કે પવન ઊર્જા, સૌર ઊર્જા, જૈવિક ઊર્જા, હાઈડ્રો પાવર વગેરે દ્વારા વીજળી ઉત્પન્ન કરવા માટે રાજયમાં 14, 963 મેગાવોટ ક્ષમતાના પ્રોજેક્ટોની સ્થાપના કરવામાં આવી છે. જે દેશની કુલ સ્થાપિત ક્ષમતાની 15 ટકા જેટલી છે અને આ ક્ષમતા સાથે ગુજરાત દેશમાં તૃતીય સ્થાન ધરાવે છે.

વર્ષ 2016 – 17થી ખાનગી રહેણાંક ઉપર સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપવાની યોજના કાર્યરત છે. આ યોજના હેઠળ 2,84,000 ખાનગી રહેણાંકીય ઈમારતો ઉપર 1,081 મેગાવોટ ક્ષમતાની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપવામાં આવી છે. ખાનગી રહેણાંક ઉપર સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઔદ્યોગિક, વાણિજ્યક અને રહેણાંકીય ક્ષેત્રે કુલ 1,444 મેગાવોટ સોલાર રૂફટોપ સિસ્ટમની સ્થાપના સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે.

વર્ષ 2008-09માં ગુજરાતમાં દેશની પ્રથમ ‘સોલાર પાવર’ પોલીસીની જાહેરાત બાદ વર્તમાન પરિસ્થિતિએ રાજ્યની સોલાર પાવર પ્રોજેક્ટની કુલ સ્થાપિત ક્ષમતા 5,947 મેગાવોટ છે. આમ, આ સોલાર પાવર પ્રોજેક્ટની સ્થાપના સાથે ગુજરાત દેશમાં તૃતીય સ્થાન ધરાવે છે. વર્ષ 2011થી પાટણના ચારણકા ગામે એશિયાનો સૌથી વધુ ક્ષમતા ધરાવતો સોલાર પાર્ક કાર્યરત છે. જ્યાં 850 મેગાવોટ ક્ષમતાના સોલાર પ્રોજેક્ટ કાર્યરત છે.

વર્ષ 2012માં દેશમાં સૌપ્રથમ 1 મેગાવોટ કેનાલ ટોપ સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના ગુજરાતમાં કરવામાં આવી છે. આજ સુધી કુલ 37 મેગાવોટ કેનાલ ટોપ સોલાર પાવર પ્રોજેક્ટ કાર્યરત છે. દુનિયાના સૌથી વિશાળ 30 ગીગાવોટ ક્ષમતાના હાઈબ્રીડ (સોલાર અને વિન્ડ) રીન્યુએબલ એનર્જી પાર્કનું કચ્છના ખાવડા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા દસ વર્ષમાં 268 ગૌશાળા/ પાંજરાપોળ/શૈક્ષણિક સંસ્થાઓમાં કુલ 19, 460 ઘનમીટર પ્રતિદિવસની ક્ષમતાના સંસ્થાકીય બાયોગેસ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે.

છેલ્લા દસ વર્ષમાં સરકારી છાત્રાલયો, આદર્શ નિવાસી શાળાઓ, વિશ્રામગૃહો ઉપર 76,450 વિદ્યાર્થીઓ માટે કુલ 19,06,000 લિટર પ્રતિદિવસની ક્ષમતાની સોલાર હોટ વોટર સિસ્ટમ બેસાડવામાં આવી છે. રાજ્યના 13,572 વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ઈલેક્ટ્રિક દ્વિચક્રી વાહનો માટે સબસિડી આપવામાં આવી છે.

વર્ષ 1993માં ગુજરાતમાં દેશની પ્રથમ ‘વિન્ડ પાવર’ પોલીસીની જાહેરાત બાદ વર્તમાન પરિસ્થિતિએ રાજ્યની વિન્ડ પાવર પ્રોજેક્ટની કુલ સ્થાપિત ક્ષમતા 8,860 મેગાવોટ થવા પામી છે. આમ, ગુજરાત વિન્ડ પાવર પ્રોજેક્ટની સ્થાપના કરવામાં દેશમાં દ્વિતીય સ્થાન ધરાવે છે.

બાલ ઊર્જારક્ષક દળ કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક-માધ્યમિક શાળાના 50,000 વિદ્યાર્થીઓ અને 1500 શિક્ષકોને ઊર્જાના નીતિમય અને શાણપણભર્યા ઉપયોગ માટે પ્રતિવર્ષ તાલીમ આપવાની પ્રવૃત્તિ હાથ ધરાય છે.

આજે ગુજરાતે ઊર્જાની પંચશકિતઓ સોલાર, થર્મલ, હાઇડ્રો, ગેસ અને ન્યૂકલીયરનો વીજ ઉત્પાદનમાં વિનિયોગ કરવાની નવતર પહેલ કરી છે અને ઊર્જા ઉત્પાદન-વિતરણમાં અગ્રેસરતા પ્રાપ્ત કરી છે. ગુજરાતે વીજ ઉત્પાદનમાં અનેક સુધારાલક્ષી ઉપક્રમ હાથ ધરીને આત્મનિર્ભરતા સાથે દેશના એનર્જી હબ બનવાની દિશામાં વર્તમાન શાસનની રાજકીય ઇચ્છાશકિત સાબિત કરી છે. આમ, ગુજરાતના ઊર્જા ક્ષેત્રની નવતર પહેલો વિશ્વ માટે પથદર્શક બની રહેશે.

(9:28 pm IST)