ગુજરાત
News of Monday, 26th September 2022

આદ્યાશક્‍તિ માતાજીના આરાધનાના પર્વમાં ગુજરાતની શક્‍તિપીઠો તથા માતાજીના મંદિરોમાં ભાવિકો દ્વારા આરાધના

કોરોના કહેર ઓછો થતા ખેલૈયાઓ આજથી 9 દિવસ રાસ-ગરબાની રમઝટ બોલાવશે

અમદાવાદઃ આદ્યાશક્‍તિના આરાધનાના પર્વ એટલે કે નવરાત્રીની આજથી શરૂઆત થઇ છે. ભક્‍તિમય વાતાવરણમાં આજે રાજ્‍યના તમામ માતાજીના મંદિરોમાં અનુષ્‍ઠાન અને પુજા પાઠ માટે ભક્‍તોની ભીડ જામી છે. ભદ્રકાળી, બહુચરાજી, ઉંઝા, પાવાગઢ, આશાપુરા અને અંબાજી માતાજીના મંદિરો સહિત રાજ્‍યસભરના મંદિરોમાં પુજા પાઠ અને પ્રાર્થના માટે ભક્‍તોનું ઘોડાપુર ઉમટયુ છે.

નવરાત્રિમાં માતાજીની આરાધના અને ગરબાની રમઝટ માટે યાત્રાધામ પાવાગઢમાં ખાસ તૈયારી કરવામાં આવી છે. પાવગઢ મંદિરના નવીનિકરણ બાદ પ્રથમ નવરાત્રિ હોવાથી ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. ત્યારે દર્શન કરવામાં ભક્તોને કોઈ સમસ્યા ના થાય તેના મટે તંત્ર, મંદિર ટ્રસ્ટ અને રોપવેની સેવા આપતી કંપનીએ ખાસ વ્યવસ્થા કરી છે. તો અમાસના દિવસે મધ્યપ્રદેશ સહિતના રાજ્યના ભક્તો પાવાગઢમાં ઉમટ્યા હતા. એક લાખથી વધુ ભક્તો દૂધિયા તળાવમાં સ્નાન કરી મંદિરમાંથી જ્યોત લઈ જવાની પરંપરા નિભાવી હતી. તો મોટી સંખ્યામાં પદયાત્રીઓ અને યાત્રાળુ સંઘ પર પાવાગઢ પહોંચ્યા છે. જેથી તેઓ પ્રથમ નોરતે દર્શનનો લહાવો લઈ શકે. ભક્તો માટે નવરાત્રિમાં સવારે 4 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી રોપ-વેની સેવા ચાલુ રાખવામાં આવશે. જેથી લોકોને માતાજીના દર્શન કરવામાં મુશ્કેલી ના પડે.

નિજ મંદિરના દ્વાર ખૂલતા જ માતાજીના જયઘોષથી પરિસર ગુંજ્યું

માં શક્તિની ઉપાસના અને ભક્તિના મહાપર્વ આસો નવરાત્રિનો આજથી પ્રારંભ થયો છે. લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર પંચમહાલ જિલ્લામાં આવેલા યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સદીઓ બાદ નિજ મંદિર શિખર પર ધ્વજારોહણ કર્યા બાદ અને મંદિરના નવીનીકરણ કર્યા બાદની પ્રથમ નવરાત્રિ હોઈ ખૂબ મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડવાની શક્યતાઓ છે. જે જોતા વહીવટી તંત્ર, મંદિર ટ્રસ્ટ અને રોપ-વે સેવા આપતી ઉષા બ્રેકો દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આજે પ્રથમ નોરતે શક્તિપીઠ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર વહેલી સવારથી જ ઉમટી પડ્યું છે. તો મોડી સાંજ સુધી 1 લાખથી વધુ ભક્તો આવવાની શક્યતાઓ છે. વહેલી સવારે 5 વાગે નિજ મંદિરના દ્વાર ખૂલતા જ માતાજીના જયઘોષથી પરિસર ગુંજી ઉઠ્યું હતુ.

માઈ ભક્તો પાવાગઢથી જ્યોત લઈને ગયા

નવરાત્રી પર્વના અગાઉ દિવસે એટલે કે અમાસના દિવસે મધ્યપ્રદેશ અને અન્ય માઇ ભક્તોની પાવાગઢ દુધિયા તળાવમાં સ્નાન કર્યા બાદ મંદિરમાંથી જ્યોત લઈ જવાની પરંપરા છે, જેને લઈ રવિવારે એક લાખ કરતાં વધુ માઇ ભકતો પાવાગઢ ખાતે દર્શન માટે ઉમટ્યા હતા. જેથી ભક્તોનું કીડીયારું ઉભરાયું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. બીજી તરફ પદયાત્રીઓ અને યાત્રાળુ સંઘ રવિવારે મોડી સાંજે પાવાગઢ ખાતે આવી પહોંચ્યા હતા. જેઓ રાત્રિ રોકાણ કરી વહેલી સવારે પ્રથમ નોરતે માતાજીના દર્શન કરશે.

મંદિરમાં ખાસ વ્યવસ્થા કરાઈ

કાલિકા મંદિરના ટ્રસ્ટી અને સેક્રેટરી અશોક પંડ્યાએ જણાવ્યું કે, આજથી 26 સપ્ટેમ્બરથી શક્તિ ઉપાસનાના મહાપર્વ આશો સુદ નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. કોરોના કાળ બાદ શક્તિપીઠ પાવાગઢ ખાતે માં મહાકાળીના ભક્તો માટે આ પ્રથમ એવી નવરાત્રિ હશે જયારે તેઓ તમામ સુવિધાઓ અને છૂટછાટ સાથે માતાજીના દર્શન કરી શકશે. એમાંય પાવાગઢના નવીનીકરણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીમએ ધ્વજારોહણ કરી પાવાગઢની તમામ સુવિધાઓનું લોકાર્પણ કર્યું હતુ. ત્યારથી અહીં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો પાવાગઢ ખાતે માં મહાકાળીના દર્શને આવી રહ્યા છે. જે જોતાં મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા ખાસ સુચારું આયોજન કરાયું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓ માટે પીવાનું પાણી, સ્લોટ મુજબ દર્શન વ્યવસ્થા, નવરાત્રિ દરમિયાન નિજ મંદિર વહેલું ખુલ્લું મુકવા, સફાઈ કામગીરી સહિતનું આયોજન કરાયું છે. 

પોલીસનો ખાસ બંદોબસ્ત

ભક્તોના અભૂતપૂર્વ ઘસારાને લઈ મંદીર અને યાત્રિકોની સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઈ જેવા અધિકારીઓ સહિત એક હજારથી વધુ પોલીસ જવાનો અને એસઆરપીની ટુકડી બંદોબસ્તમાં તૈનાત કરવાનું આયોજન કરાયું છે.

નવરાત્રિ દરમિયાન રોપવે સુવિધાનો સમય વધારાયો

માંચીથી નિજ મંદિરે દર્શનાર્થીઓને લઈ જવા માટે ઉષા બ્રેકો દ્વારા ચલાવવામાં આવતી રોપ વે સેવા પણ યાત્રાળુઓના ધસારાને પહોંચી વળવા માટે આ વર્ષે રોપ વેના સમયમાં ફેરફાર કરાયો છે. આઠમ અને રવિવારે સવારે 3 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી તેમજ અન્ય નવરાત્રિના દિવસોમાં સવારે 4 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી રોપ વે સેવા કાર્યરત રાખવાનું આયોજન કરાયું છે. જોકે મુલાકાતી ભક્તો પણ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવવા સાથે મંદિર નવીનીકરણ અને વ્યવસ્થાને બિરદાવી રહ્યા છે તેવું ઉષા બ્રેકોના ઈન્ચાર્જ મેનેજર જીએમ પટેલે જણાવ્યું.

(6:04 pm IST)