ગુજરાત
News of Friday, 26th February 2021

અમદાવાદમાં મતગણતરી બાદ કુબેરનગર વોર્ડમાં 4 ઉમેદવારોમાંથી ત્રણ મહિલા જીતી

પહેલાં કોંગ્રેસની પેનલ જીતી પછી ભાજપની મહિલા ઉમેદવારને વિજેતા :2015ની AMC ચૂંટણીમાં વિરાટનગર વોર્ડમાં આવું થયું હતું: 192માંથી 97 મહિલા ઉમેદવાર વિજયી

અમદાવાદ : કુબેરનગરમાં ફેર મતગણતરી બાદ ભાજપની મહિલા ઉમેદવારને વિજેતા જાહેર કરાતા કોંગ્રેસની પેનલ તૂટી એટલું જ નહીં વોર્ડમાં ત્રણ મહિલાઓનો વિજય થયો. અગાઉ 2015ની AMC ચૂંટણીમાં વિરાટનગર વોર્ડમાં આવું થયું હતું.

  AMCની 2015ની ચૂંટણીમાં વિરાટનગર વોર્ડમાં નવો રેકોર્ડ સર્જાયો હતો. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના 48 વોર્ડમાં વિરાટનગર એકમાત્ર વોર્ડ હતો જ્યાં ચાર ઉમેદવારોમાં ત્રણ મહિલા જીતી હતી. બે ભાજપની મહિલા ઉમેદવાર જીતી હતી તો કોંગ્રેસનાં એક મહિલા ઉમેદવાર જીત્યાં હતાં. ભાજપના બે અને કોંગ્રેસના એક પુરુષ ઉમેદવાર હાર્યા હતા. આ વખતે કુબેરનગર વોર્ડમાં ત્રણ મહિલા કોર્પોરેટર બની છે

કુબેરનગર વોર્ડમાં પહેલા કોંગ્રેસની પેનલ જીતી હતી પછી ફેર મતગણતરી થઈ હતી જેમાં કોંગ્રેસના એક પુરુષ ઉમેદવારને બદલે ભાજપના મહિલા ઉમેદવારને વિજેતા ઘોષિત કરાયા હતા. 2015ની ચૂંટણીમાં અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની 192 બેઠકો પૈકી 97 બેઠકો ઉપર મહિલા ઉમેદવારોએ કબજો જમાવ્યો હતો તો 95 બેઠકો પુરુષ ઉમેદવાર જીત્યા હતા.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની 2015ની ચૂંટણી નવા સીમાંકન બાદ યોજાઈ હતી. આ ચૂંટણીમાં પહેલીવાર 50 ટકા મહિલા અનામત લાગુ કરાઈ હતી. અમદાવાદના 48 વોર્ડમાં એક વોર્ડદીઠ ચાર એમ કુલ 192 બેઠકો પૈકી 96 બેઠકો મહિલાઓ માટે રિઝર્વ હતી.

અગાઉ 33 ટકા બેઠકો  મહિલાઓ માટે અનામત હતી.જે વધારી 50 ટકા કરાઈ હતી. આ 50 ટકા અનામત બેઠકો બાદ પ્રથમ ચૂંટણીમાં વધુ મહિલાઓ જીતી હતી. એકમાત્ર વિરાટનગર વોર્ડમાં ચારમાંથી 3 મહિલા જીતી હતી. આ વખતે 2021માં ફરી આવું થયું છે. કુબેરનગર વોર્ડમાં ત્રણ મહિલા ઉમેદવાર કોર્પોરેટર બની છે..

(6:50 pm IST)