ગુજરાત
News of Wednesday, 25th November 2020

કોવિડ-19 હોસ્પિટલોમાં સીસીટીવી કેમેરા ફરજિયાત મૂકવાની મુખ્યમંત્રી સમક્ષ માંગ

ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિએ હોસ્પિટલોની મનમાની રોકવા,બિલ અંગે સર્જાતા વિવાદ રોકવા અને દર્દીને સગા જોઇ શકે માટે સીસીટીવી કેમરા મુકવા માંગ કરી

અમદાવાદ : ગુજરાતમાં કોવિડ-19 હોસ્પિટલોમાં સીસીટીવી કેમેરા ફરજિયાત મૂકવાની માગ બળવત્તર બની છે.ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિએ મુખ્યમંત્રી સમક્ષ કરી માંગ છે કે હોસ્પિટલોની મનમાની રોકવા, દર્દીને સગા જોઇ શકે તે માટે અને બિલ અંગેના વિવાદને રોકવા માટે કોવિડ-19 હોસ્પિટલોમાં કેમેરા મૂકવા જોઇએ.

 કોરોના મહામારીએ ચોતરફ હાહાકાર મચાવ્યો છે. તેનાથી સરકાર જ નહીં પણ પ્રજા ત્રાહિમામ પોકારી ગયા છે. આ રોગને નાથવા સરકાર તરફથી વિવિધ પગલાં ભરવામાં આવ્યા છે. કોરોનાના દર્દીને સારવારથી માંડીને દર્દીઓને મળવા બાબતે અનેક પ્રશ્નો ઉભા થાય છે. ત્યારે આ પ્રશ્નનો ઉકેલ અખિલ ભારતીય ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને Covid Hospital CCTV સહિત કેટલાક સુચનનો અમલ કરવા માગણી કરી છે.

ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખે મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, સિવિલ સહિત સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવે છે.

દર્દીઓને તેમના સગાં મળી શકતા નથી. કેમ કે તેમની મુલાકાત પર સાવચેતી ના ભાગરૂપે પ્રતિબંધ છે. તેવા સંજોગોમાં સરકારે તમામ હોસ્પિટલના કોવિડ રૂમમાં કેમેરા ફરજીયાત મુકવાનો નિયમ કરવો જોઈએ.

તેનાથી ભવિષ્યમાં ઉભા થતા બિલ સામેના અનેક સવાલોનો ઉકેલ આવી જાય. તેથી વિશેષ પારદર્શિતા જળવાશે. અને દર્દીઓને તેમના પરિવારજનો જોઈ શકશે તેનાથી વિશ્વાસ ઉભો થશે.

તેમણે આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું છે કે હોસ્પિટલો વિવિધ સર્વિસ ચાર્જનું ભાવપત્રક ડિસ્પ્લે દ્વારા રજૂ કરે. કેમ કે સરકારી નિયત્રીત ચાર્જીસ અંગે પ્રજાને કોઈ માહિતી નથી.હોસ્પિટલો મનમાની કરી મનસ્વી રીતે લાખો રૂપિયાના બિલો થમાવી દે છે.

હોસ્પિટલો AMC સાથે થયેલા કરાર મુજબ બિલ બનાવતી નથી. જેના કારણે વીમા કંપનીઓ દાવાની રકમમાં કાપકુપ કરે છે. તેનો ભોગ દર્દી અને તેના સગાઓ બને છે. દર્દીઓને લૂંટતી હોસ્પિટલોને મોટી રકમનો દંડ કરીને તે રકમ દર્દી પાછળ વાપરવી જોઈએ.

તેમણે છેલ્લે એવી પણ માંગ કરી છે કે હોસ્પિટલો દર્દીના બેડ સહિતની વિગતો ડિસ્પ્લે મારફતે રજૂ કરે અને અર્બન હેલ્થ સેન્ટર, સિવિક સેન્ટરો અને હોસ્પિટલોમાં ઇન કમિંગ ફોનની વ્યવસ્થા ઉભી કરવામાં આવે.

તેમાં દર્દીઓને હોસ્પિટલોના ચાર્જીસ, સુવિધા તેમ જ ખાલી બેડ બાબતે પૂરતી જાણકારી અને માહિતી આપે. અને સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તમામ જિલ્લા મથકો પર કલેકટર કચેરીમાં 24 કલાકના કન્ટ્રોલ રૂમની વ્યવસ્થા જરૂરી હોવાની રજુઆત કરી છે

(9:44 pm IST)