ગુજરાત
News of Wednesday, 25th November 2020

2005 હત્યા કેસમાં ધારાસભ્ય કાંધલ જાડેજાને નિર્દોષ છોડવાનો ટ્રાયલ કોર્ટનો હુકમ હાઇકોર્ટે માન્ય રાખ્યો

હાઇકોર્ટે રાજ્ય સરકાર અને દિલીપ ઓડેદરાની અરજી ફગાવી દીધી

અમદાવાદઃએનસીપીના  ધારાસભ્ય કાંધલ જાડેજાને હત્યા કેસમાં દોષમુક્ત  છોડવાના ટ્રાયલ કોર્ટના ચુકાદાને ગુજરાત હાઇકોર્ટે માન્ય રાખ્યો છે.

પોરબંદરમાં 2005માં કેસૂ નેભા ઓડેદરા હત્યા કરાઇ હતી. આ  કેસમાં NCPના પોરબંદર જિલ્લાના કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા સહિત 9 લોકો સામે આરોપો ઘડાયા હતા. કાંધલ જાડેજા 2012થી કુતિયાણાના ધારાસભ્ય છે અને એનું માનવામાં આવે છે કે તેમણે રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના સમર્થનમાં મત આપ્યો હતો.જેમાં પોરબંદર સેશન્સ કોર્ટે તમામ આરોપીને દોષમુક્ત છોડવાનો હુકમ કર્યો હતો. જેની સામે રાજ્ય સરકાર અને દિલીપ ઓડેદરા તરફે દાખલ કરાયેલી અપીલ અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે.

 ગુજરાત હાઈકોર્ટે કાંધલ જાડેજાને નિર્દોષ છોડવાના ટ્રાયલ કોર્ટના હુકમને યથાવત રાખ્યો છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે પોરબંદર સેશન્સ કોર્ટે વર્ષ 2011માં કાંધલ જાડેજા અને અન્ય 8 લોકોને નિર્દોષ છોડી મુક્યા હતા. કાંધલ જાડેજા, તેમની માતા સંતોક જાડેજા, કરણ જડેજા અને અન્ય સામે હત્યાનો કેસ વર્ષ 2005માં દાખલ કરવામાં આવ્યો હતો. તેમાં સંતોક બેન જાડેજાનું નિધન થયું હતું .

કાંધલ જાડેજા સૌરાષ્ટ્રના તે સમયના ગોડ મધર સંતોકબેન જાડેજાના પુત્ર છે. તેઓ ચાર ભાઇઓમાં સૌથી મોટા છે. તેમની સામે હત્યા, હથિયારો રાખવા, ખંડણી, હુમલા, છેતરપિંડી, જેેલમાંથી ભાગી જવા, રમખાણો સહિત 15 ગુનાહિત કેસો નોંઘાયેલા છે. તેમાંથી 10 કેસ પોરબંદર જિલ્લાના છે. ત્રણ રાજકોટ અને બે અમદાવાદ શહેરના છે.

પોરબંદર સેશન્સ કોર્ટે કાંધલ જાડેજા, તેમની માતા સહિત તમામ આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ  છોડી મુક્યા હતા. વર્ષ 2005માં કાંધલ જાડેજાની ધરપકડ બાદ તેમને અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા.ત્યારબાદ 2006માં રાજકોટ જેલમાં રાખવામાં આવ્યા હતા. નોંધનીય છે કે NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાએ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને સમર્થન આપ્યું હોવાની વાત ચર્ચાય છે.

વર્ષ 2005માં પોરબંદરના ભાજપના કોર્પોરેટર કેસૂ નેભા ઓડેદરાની કળિયા પ્લોટ પાસે ગોળીઓ મારીને તેમની હત્યા કરી દેવામાં આવી હતી.

(9:24 pm IST)