ગુજરાત
News of Saturday, 25th June 2022

બ્રહ્માકુમારીઝ દ્વારા શરૂ કરવામાં આવેલા કલ્પતરુ પ્રોજેક્ટનો ગુજરાતમાં ગાંધીનગર ખાતે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે આરંભ કરાયો

આપણા ગૌરવશાળી ઇતિહાસ અને માનવીય મૂલ્યોની સંસ્કૃતિનો આપણો વારસો નવી પેઢીને આપવો ખૂબ જરૂરી છે:આપણે વસુદેવ કુટુંબકમની ગૌરવશાળી સંસ્કૃતિના સંસ્કારો આપણને વારસામાં મળ્યા છે.:આત્મનિર્ભર ભારતની વડાપ્રધાનશ્રીની નેમ હરિયાળા વૃક્ષોથી સાકાર કરીએ: ભુપેન્દ્રભાઈ પટેલ

ગાંધીનગર :આપણા ગૌરવશાળી ઇતિહાસ અને માનવીય મૂલ્યોની સંસ્કૃતિનો આપણો વારસો નવી પેઢીને આપવો ખૂબ જરૂરી છે,તેવું આજરોજ ગાંધીનગર ખાતે બ્રહ્માકુમારી  દ્વારા શરૂ કરવામાં આવેલ કલ્પતરુ પ્રોજેક્ટનો આરંભ કરાવતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું.
  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આપણી પાસે અત્યંત સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસો છે. આપણે વસુદેવ કુટુંબકમની ગૌરવશાળી સંસ્કૃતિના સંસ્કારો આપણને વારસામાં મળ્યા છે.
   તેમણે ઉમેર્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ પ્રકૃતિપ્રેમ,પર્યાવરણની જાળવણી સાથે પ્રગતિનો મંત્ર આપ્યો છે. આજે અહીં આપણે જ્યારે આઝાદીના અમૃત મહોત્સવ સાથે પર્યાવરણ પ્રેમનો અવસર ઉજવી રહ્યા છીએ, ત્યારે દેશના ભવ્ય વારસાનો વિશેષ ગૌરવની પણ અનુભૂતિ થઈ રહી છે.
  તેમણે ઉમેર્યું હતું કે બ્રહ્માકુમારી જેવી સંસ્થાએ આ દિશામાં ખૂબ જ મહત્વનું કામ કરી રહી છે. એ માટે હું તેમના સંચાલકોને હૃદયપૂર્વક અભિનંદન આપું છું  દેશની સ્વતંત્રતા ના અમૃત મહોત્સવ અને આત્મનિર્ભર ભારત ની પહેલને કેન્દ્રમાં રાખી બ્રહ્માકુમારી સંસ્થા એ વ્યાપક આયોજન કર્યા છે.
   રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય દ્વારા એક વ્યક્તિ - એક વૃક્ષ- એક વિશ્વના લક્ષ સાથે કલ્પતરુ પ્રોજેક્ટનું આયોજન કર્યું છે. આ પ્રોજેક્ટનો આરંભ વિશ્વ પર્યાવરણ દિવસ તા.૫મી જૂનથી શરૂ થયો હતો. આ પ્રોજેક્ટમાં મૂલ્યોની સાથે વિકાસની વાત પણ વણી લેવામાં આવી છે.
 તેમણે ઉમેર્યું હતું કે,આઝાદીના અમૃત વરસે વડાપ્રધાનએ આપણને દેશ માટે કોઈને કોઈ સંકપ લેવાનું આહ્વાન કર્યું છે. આઝાદીનાં ૭૫ વર્ષના ઉપલક્ષ્યમાં બ્રહ્માકુમારી દ્વારા પણ સળંગ ૭૫ દિવસ ૭૫ ભાઈ-બહેનો ૭૫ વૃક્ષ વાવીને ઓછામાં ઓછાએનું ૭૫ દિવસ જતન કરે તેઓ એક સંદેશો ફેલાવતો કલ્પતરુ પ્રોજેક્ટ આજે ગુજરાતમાં આરંભ્યો છે. આ પ્રોજેક્ટ થકી ગુજરાતમાં છ લાખ જેટલા અને સમગ્ર ભારતમાં ૪૦ લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરવાનો એક લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
  આત્મનિર્ભર ભારતની વડાપ્રધાનશ્રીની નેમ હરિયાળા વૃક્ષોથી સાકાર કરીએ એવું કહી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ભારત એક શક્તિશાળી અને ગ્રીન એનર્જી, આત્મનિર્ભર રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત થાય તેવી આપણે સૌએ નેમ લેવી જોઈએ. ભારતની ૨૦૭૦ સુધી નેટ ઝીરો કાર્બન ઇમીશન દેશ બનાવવા હરીત ઉર્જા, હાઈડ્રોજન, સોલાર વિન્ડ એનર્જી અને વ્યાપક વૃક્ષારોપણ કરવાની વડાપ્રધાનશ્રીએ સૌને હાકલ કરી છે.
  કોરોનાની મહાબીમારીએ માનવજાતને પ્રાણવાયુનું મહત્વ સમજાવી દીધું છે તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે,પ્રજાપિતા બ્રહ્માકુમારી જેવી સંસ્થાઓએ વૃક્ષારોપણ- વૃક્ષ ઉછેરના આ સમાજ સેવા સંકલ્પથી તેમાં પોતાનો સૂર પૂરાવ્યો છે, તે બદલ મુખ્યમંત્રીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે રાજયોગીની ઉષાદીદીએ આ ઉમદા પ્રોજેકટ પાછળના ભાવની વાત કરી હતી. તેમજ મહાનુભાવોનું સ્વાગત ગાંધીનગર બ્રહ્માકુમારીઝની સંચાલિકા રાજયોગીની કૈલાસદીદીએ કર્યું હતું.
આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેષ મકવાણા, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જસવંતભાઇ પટેલ, જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્ય સહિત આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

(9:22 pm IST)