ગુજરાત
News of Wednesday, 25th May 2022

વડોદરા:રિવર્સ લેતી વેળાએ ટ્ર્કના પાછળના પૈડાં નીચે કચડાઈ જવાથી દંપતી પૈકી પત્નીનું મૃત્યુ

વડોદરા,દોઢ મહિના પહેલા મુજમહુડા હોસ્પિટલ પાસે સાયકલ સવાર દંપતીને કાર ચાલકે ટક્કર મારતા ગંભીર રીતે ઘાયલ થયા હતા.જેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જે  પૈકી  પત્નીનું મોડીરાતે અવસાન થયું છે.જ્યારે અન્ય એક બનાવમાં  કોયલી ગામે ડ્રાયવરે ટ્રક  રિવર્સમાં લેતા પ્રૌઢ કચડાઇ ગયા હતા.જે અંગે તાલુકા  પોલીસે ગુનો દાખલ કરી ટ્રક ડ્રાયવરની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો  દ્વારા મળતી માહિતી મુજબ, યુ.પી.ના ગોરખપુરના રામપુર  ગામે રહેતા કોમલપ્રસાદ ભારતી અને તેમના પત્ની ગેનિયાબેન છેલ્લા કેટલાક સમયથી કલાલી રોડ ચાણક્યનગર પાસે વુડા  હાઉસિંગના મકાનમાં રહેતા હતા.અને મજૂરી કામ કરતા હતા.ગત તા.૧૫ એપ્રિલે કોમલપ્રસાદ સાયકલ  પર પત્ની  ગેનિયાબેનને બેસાડીને નીકળ્યા હતા.મુજમહુડા  હોસ્પિટલ પાસે એક કાર ચાલકે સાયકલને ટક્કર મારતા  દંપતી રોડ પર ફંગોળાયા હતા.અને માથામાં ગંભીર ઇજા થઇ હતી.દંપતીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ગઇકાલે મોડીરાતે ગેનિયાબેનનું સારવાર દરમિયાન મોત થયું હતું.જે અંગે માંજલપુર  પોલીસે ગુનો દાખલ કર્યો હતો.પી.એસ.આઇ.વી.બી.ઢોલાએ કારચાલકની શોધખોળ હાથ ધરી છે. જ્યારે અન્ય એક બનાવમાં શહેર નજીકના કોયલીગામે રહેતા બાવન વર્ષના હિતેશભાઇ મેલાભાઇ  રાઠોડિયા ઘર  પાસે ખાટલો ઢાળીને ઊંઘતા હતા. રાતે લઘુશંકા માટે ઉઠીને ઘરની દૂર જતા હતા.તે સમયે ઘરની પાસે પાર્ક થયેલી એક ટ્રકના ચાલકે રિવર્સમાં લેતા ટ્રકના પાછળના પૈંડા હિતેશભાઇ  પર ફરી વળ્યા હતા.તેમણે બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી  આવ્યા હતા.ગંભીર રીતે ઘાયલ  હિતેશભાઇને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ  જવામાં આવ્યા હતા.પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેઓનું અવસાન થયું હતું.પી.એસ.આઇ.પંડયાએ ટ્રક ડ્રાયવરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:31 pm IST)