ગુજરાત
News of Wednesday, 25th May 2022

નવસારી-વિજલપોર પાલિકા કરોડોના ખર્ચે શહેરીજનો માટે દાંડીકૂચની થીમ પર ‘વોક-વે' બનાવશે

ઐતિહાસિક દાંડીકૂચ થકી ગાંધીજીના સત્‍ય, અહિંસા, સત્‍યાગ્રહ જેવા વિચારોને જનમાનસ સુધી પહોંચાડવાનો સંકલ્‍પ

નવસારીઃ અંગ્રેજી શાસન સામે ગાંધીજીની દાંડીયાત્રા કારગત નિવડતા ઇતિહાસના પાના પર સુવર્ણ અક્ષરે લખાયેલી દાંડીકૂચની થીમ પર નવસારી-વિજલપોર પાલિકા કરોડોના ખર્ચે દાંડીપથની મધ્‍યમાં પાર્ક સાથે વોક-વે બનાવી શહેરીજનોને નઝરાણુ આપશે.

ભારતની આઝાદીમાં દાંડીકૂચ પાયાનો પથ્થર સાબિત થવા સાથે જ મહાત્મા ગાંધીજીના અહિંસક સત્યાગ્રહે અંગ્રેજોને ભારત છોડવા પર મજબૂર કર્યા હતા. ઇતિહાસના પાનાંઓ પર સુવર્ણ અક્ષરે લખાયેલી દાંડીકૂચની થીમ પર નવસારી-વિજલપોર પાલિકા કરોડોના ખર્ચે વિજલપોરના દાંડીપથની મધ્યમાં પાર્ક સાથે વૉક-વે બનાવી શહેરીજનોને ઐતિહાસિક અને નવલું નજરાણું આપવા જઈ રહી છે.

અંગ્રેજી સલ્તનત સામે મહાત્મા ગાંધીજીના સત્યાગ્રહ અડગ શસ્ત્ર સાબિત થયુ હતુ. જેમાં પણ 1930 માં અમદાવાદના સાબરમતી આશ્રમથી મીઠાનો કાળો કાયદો તોડવા મહાત્માએ 80 સત્યાગ્રહીઓ સાથે 241 માઈલની મજલ કાપી કરેલી દાંડીકૂચના 17 વર્ષ બાદ ભારતમાં આઝાદીનો સૂરજ ઉગ્યો હતો. આ ઐતિહાસિક દાંડીકૂચ થકી મહાત્મા ગાંધીજીના સત્ય, અહિંસા, સત્યાગ્રહ જેવા વિચારોને જનમાનસ સુધી પહોંચાડવા નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા નવસારીના વિજલપોરની સંભાવના સોસાયટીથી એરૂ ચાર રસ્તા સુધીના દાંડીપથ પર 12 કરોડ રૂપિયા ખર્ચે રસ્તાની મધ્યમાં દાંડીકૂચની થીમ પર પાર્ક બનાવવાનું આયોજન કર્યુ છે. જેને વિપક્ષ કોંગ્રેસે આવકાર આપ્યો છે. પરંતુ 25 વર્ષના શાસનમાં મોડે મોડે પાલિકાને ગાંધી યાદ આવ્યાની વાત સાથે પાર્કમાં નવસારીના સ્વતંત્રતા વીરોના નામે ચોતરો, પ્રતિમાઓ મૂકવામાં આવે એવી લાગણી વ્યક્ત કરી હતી.

વિજલપોરથી એરૂ ચાર રસ્તા સુધી બનનારા દાંડીકૂચ થીમ પાર્ક થકી ગાંધી જન જન સુધી પહોંચશેની આશા વ્યક્ત કરી ગાંધીવાદીઓ પાલિકાને અભિનંદન આપી રહ્યા છે. સાથે જ દાંડીકૂચને કારણે નવસારીને વૈશ્વિક ફલક પર સ્થાન મળ્યુ છે. ત્યારે પાર્કમાં દાંડીકૂચ અને ગાંધી વિચારો વ્યક્ત કરવાથી બાળકો, યુવાનોને મહામાનવ મહાત્મા વિશે માહિતી મળશે અને ગાંધી વિચારનો પ્રસાર થશેની આશા પણ વ્યક્ત કરી હતી.

નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા આ વર્ષના બજેટમાં દાંડીકૂચ વૉક-વે પાર્ક માટે 12 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. ઐતિહાસિક દાંડી આવતા લોકોને શહેરના વિજલપોરથી જ ઇતિહાસના દાંડીપથ પર ચાલી રહ્યાની અનુભૂતિ થાય એવા પ્રયાસો પાલિકાએ કર્યા છે. પાલિકાની દાંડીકૂચ વૉક-વે સાથે થીમ પાર્ક બનાવવાની યોજનામાં વૃદ્ધો માટે બેઠક વ્યવસ્થા, બાળકોના રમત-ગમતના સાધનો, યુવાનો માટે ઓપન જીમ સાથે જ સાયકલ ટ્રેક પણ બનાવવામાં આવશે. પાર્કમાં થોડા થોડા અંતરે મહાત્મા તેમજ તેમની સાથેના સ્વતંત્રતા સૈનનીઓની પ્રતિમા તેમજ ગાંધી વિચારોને રજૂ કરાશે. જેથી દાંડી ફરવા આવતા પ્રવાસીઓને વિજલપોરથી જ દાંડીકૂચની અનુભૂતિ થશે. જોકે આ માર્ગ હેરિટેજ માર્ગમાં આવતો હોવાથી હાલ પાલિકા દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટી પાસેથી પ્રોજેકટની અમલવારી કરવા મંજૂરી મંગવામાં આવી છે, જે મંજૂરી મળતા જ પાલિકા દાંડીકૂચ થીમ પાર્ક બનાવવાનો આરંભ કરશે.

દાંડીકૂચના 92 માં વર્ષે નવસારી-વિજલપોર પાલિકા દ્વારા ઐતિહાસિક દાંડીકૂચને ઉજાગર કરવા, કરોડોના ખર્ચે બનનારો દાંડીકૂચ વૉક-વે કમ થીમ પાર્ક સુવિધા સભર અને પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બને એવી આશા સેવાઇ રહી છે.

(5:39 pm IST)