ગુજરાત
News of Tuesday, 25th January 2022

કોરોનાના નવા વેરિયન્ટનું પરીક્ષણ અમદાવાદમાં થશે

GTUએ વસાવ્યું ૧ કરોડનું સિક્વન્સર : GTUના વાઇસ ચાન્સેલર પ્રો. નવીન શેઠ જણાવે છે કે, આ સિક્વન્સરમાં એક સાથે ૨૫ સેમ્પલ ટેસ્ટ થઈ શકશે

અમદાવાદ, તા.૨૫ : કોરોનાનો ઓમીક્રોન વેરિયન્ટ હાલ ભારતમાં હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાના આ વેરિયન્ટના જીનોમ સિક્વનસિંગ માટે અત્યાર સુધી ગાંધીનગરનું GBRC લેબમાં સેમ્પલ પરિક્ષણ માટે ગાંધીનગર મોકલવા પડતા હતા. હવે આ પરીક્ષણ અમદાવાદની GTUની લેબમાં થઈ શકશે. માત્ર ઓમિક્રોન જ નહીં આવનાર કોરોનાનો કોઈપણ વેરિયન્ટ હશે તેના સિક્વનસિંગ માટેનું પરીક્ષણ પણ આ લેબમાં થઇ શકશે. જીટીયુએ ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર પાસેથી જીનોમ સિક્વનસિંગનું મશીન એક કરોડમાં મેળવ્યું છે. કોરોનાની પ્રથમ વેવ બાદ તેના અલગ અલગ વેરિયન્ટ વિશ્વમાં જોવા મળ્યા છે. આગામી દિવસોમાં પણ આ વાયરસના સ્વરૂપ બદલાતા રહેવાના છે.

ત્યારે કોરોનાનો આ કયો વેરિયન્ટ છે જે જાણવા માટે તેના જીનોમ સિક્વન્સ તપાસવા સેમ્પલ ગાંધીનગરની GBRC લેબમાં મોકલવામાં આવતા હતા. હવે આ વ્યવસ્થા અમદાવાદની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં ઉભી કરાઈ છે. GBRC પાસેથી જ GTU એ સિક્વન્સર મશીન વસાવ્યું છે. GTUના વાઇસ ચાન્સેલર પ્રો. નવીન શેઠ જણાવે છે કે, આ સિક્વન્સરમાં એક સાથે ૨૫ સેમ્પલ ટેસ્ટ થઈ શકશે. એકવાર ટેસ્ટિંગ માટેનો ખર્ચ દોઢ લાખ રૂપિયા જેટલો થાય છે. રાજ્ય સરકાર દ્વારા genome sequencingની પરવાનગી મળ્યા બાદ કોરોનાના નવા નવા કેસોને પહોંચી વળવા માટે અને કયા પ્રકારનું વેરિયન્ટ છે તે જાણવું પણ ખૂબ સરળ બની રહેશે.

GTUમાં આવેલ અટલ ઇંક્યુબેશન સેન્ટરના CEO વૈભવ ભટ્ટ જણાવે છે કે, માત્ર કોરોના વાયરસ જ નહીં અન્ય કોઈ પણ વાયરસ હોય કે બેક્ટેરિયા હોય તેના સિક્વન્સનું પરીક્ષણ પણ હવે GTUની લેબમાં થશે.  મહત્વનું છે કે, બીજી લહેરમાં પણ જીટીયુ દ્વારા લેબમાં આરટીપીસીઆરના રિપોર્ટ કાઢવામાં આવતા હતા  કોરોના સંક્રમણ સામે આ પ્રકારની વ્યવસ્થા ખૂબ ફાયદાકારક બની હતી ત્યારે genome sequencingની પરમિશન સરકાર આપે તો વધુ સરળતા કોરોનાના નવા વેરીયન્ટને પણ ઓળખવામાં મદદ રૂપ થશે.

(8:55 pm IST)