ગુજરાત
News of Tuesday, 25th January 2022

નડિયાદમાં વાહનોની અવરજવરથી પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો જથ્થો વેડફાયો

નડિયાદ : નડિયાદ શહેરમાં વાહનોની અવરજવરથી ધમધમતાં પારસ સર્કલ પાસે રવિવારે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. જેથી હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. સમગ્ર વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં ચોમાસાં જેવી સ્થિતિ સર્જાઈ હતી.

નડિયાદ શહેરમાં પારસ સર્કલ પાસે રવિવારે કોઈ કારણસર પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હતી. જેથી સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં લોકોને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી.

 રસ્તા પરથી પાણી વહેતું હોવાથી વાહન પસાર થતાં પાણીની છોળો ઊડતા રોડ પરથી પસાર થતાં લોકોના કપડાં પર પડતાં કફોડી હાલતમાં મુકાયા હતા. જેથી લોકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. ડ્રેનેજ લાઈનની કામગીરી દરમિયાન પાઇપલાઇનમાં ભંગાણ પડયું હોવાનું જાણવા મળેલ છે. આ અંગેની જાણ થતાં સોમવારે નગરપાલિકા દ્વારા પાણીનો સપ્લાય બંધ કરી પાઇપ લાઇનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. જે સાંજ સુધીમાં સમાંરકામ પૂર્ણ થાય તેમ જણાય છે. આમ નગરપાલિકાની બેદરકારીને કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી.

(5:44 pm IST)