ગુજરાત
News of Tuesday, 25th January 2022

ગાંધીનગરના વાવોલમાં પરિણીતા પાસે 15 લાખ દહેજની માંગણી કરી ત્રાસ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ

ગાંધીનગર: ગાંધીનગર શહેર નજીક આવેલા વાવોલમાં રહેતી પરિણીતાને ચાંદખેડામાં રહેતા સાસરીયાઓ દ્વારા દહેજ પેટે ૧પ લાખ રૃપિયા માંગી શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવતો હતો એટલું જનહીં પરીણીતાની કુખે દીકરીનો જન્મ થયા બાદ ત્રાસ વધારી દેવાયો હતો. આખરે કંટાળીને આ પરીણીતાએ સે-૭ પોલીસમાં પતિ સહિત છ સાસરીયાઓ સામે ફરીયાદ આપતાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૃ કરી છે.

હાલમાં સમાજમાં દહેજને લઈ પરિણીતાઓને ત્રાસ આપવામાં આવી રહયો છે ત્યારે ગાંધીનગર શહેર નજીક આવેલા વાવોલ ગામમાં રહેતી ૩૧ વર્ષીય પરિણીતાએ ચાંદખેડાના સાસરીયાઓ સામે ફરીયાદ આપી છે. પરિણીતાએ આપેલી ફરિયાદ પ્રમાણે તેના લગ્ન ૨૦૧૬માં સમાજના રીતરિવાજ મુજબ ચાંદખેડામાં સુરેખા પાર્ક મકાન નં.ર૯માં રહેતા અમિતકુમાર વિનોદચંદ્ર કડલીયા સાથે થયા હતા. એક વર્ષ જેટલો સમય સંયુકત કુટુંબમાં રહયા હતા અને ત્યારબાદ પરિણીતાએ બાળકીને જન્મ આપ્યો હતો. જેથી પતિ, સાસુ અને જેઠજેઠાણીને ગમ્યું નહોતું. જેથી અવારનવાર ઘરમાં કામકાજ બાબતે ઠપકો આપતાં હતા અને અપશબ્દો પણ બોલતા હતા. તારા પિતા નિવૃત થતાં ૩પ લાખ રૃપિયા મળ્યા છે અને દહેેજ પેટે પણ કાંઈ આપ્યું નથી. જેથી ૧પ લાખ રૃપિયા પિતાના ઘરેથી લઈ આવ તેવી માંગણી પણ કરવામાં આવતી હતી. અવારનવાર આ પ્રકારના ત્રાસ આપવા છતાં પરિણીતા સંસાર બગડે નહીં તે હેતુથી સહન કરતી હતી. પરંતુ ગત તા.૧૭ નવેમ્બર ર૦૨૧ના રોજ પિયરથી પરિણીતાનો ભાઈ તેને સાસરીમાં મુકવા ગયો ત્યારે જેઠાણીએ ઘરમાં પ્રવેશ આપ્યો નહોતો. આખરે કંટાળીને સે-૭ પોલીસ મથકમાં પતિ સહિત છ સાસરીયાઓ સામે ફરીયાદ આપતાં પોલીસે દહેજ પ્રતિબંધક અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

 

(5:42 pm IST)