ગુજરાત
News of Tuesday, 25th January 2022

અમદાવાદની 3 હજાર શાળાઓને એફઆરસીએ ફી વધારાની ગુપચુપ મંજૂરી આપી દીધીઃ ફરી ફી વધારાથી વાલીઓને બેવડો માર પડે તેવી સ્‍થિતિ સર્જાઇ

25 ટકા ફી માફીની વાતો સ્‍કુલ સંચાલકો કરતા નથી અને ફી ન ભરીએ તો રિઝલ્‍ટ અટકાવેઃ વાલીઓ

અમદાવાદ: કોરોનાકાળમાં વાલીઓના માથા પર વધુ એક માર પડ્યો છે. FRC એ કેટલીક શાળાને ફી વધારાની ગૂપચૂપ મંજૂરી આપી છે. અમદાવાદની 3,000 શાળાઓની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. રાજ્યની અન્ય કેટલીક શાળાઓએ પણ ફીમાં વધારો કર્યો છે. શાળાઓની ફીમાં 5 ટકા સુધીનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. શાળા સંચાલકો દ્વારા છેલ્લા 2 વર્ષથી કોઈ વધારો નહોતો કરાયો. ત્યારે હાલ શાળાઓમાં બીજુ સત્ર ચાલી રહ્યુ છે અને એપ્રિલમાં બીજુ સત્ર પણ પૂરું થવા જઈ રહ્યું છે તેવામાં ફરી ફી વધારાથી વાલીઓને બેવડો માર પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે કહ્યુ કે, એક તરફ 25 ટકા ફી ઘટી નથી, ઉલટાનુ તેમાં સ્કૂલ સંચાલકોએ તેમાં વધારો કર્યો છે. સુપ્રિમ કોર્ટનુ એમેન્ડમેન્ટ છે કે, ફી વધારાવની નથી અને જો સ્કૂલ લોસ કરતી હોય તો જ તે 5 ટકા ફી વધારી શકે છે. છતા સ્કૂલોએ ફી વધારી છે.

ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યુ કે, બાળ મંદિરથી લઈને એકથી 8 ધોરણની ફી 15000 જેટલી વસૂલાય છે. 8 થી 10 માટે 25 હજાર અને ધોરણ-11 અને 12 માટે તેનાથી વધુ ફી વસૂલાય છે. 5 ટકાનો વધારો 20219-20 ની ફી પર આપ્યો છે. આ અંગે સંતોષ ન હોય તો વાલીઓ તેના અંગે અપીલ કરી શકે છે.

ફી વધારા અંગે વાલીઓ જણાવે છે કે, વાલીઓ ઓનલાઈન ખર્ચો કરે કે સ્કૂલની ફી આપે. બાળકોનુ શિક્ષણ તો પૂરુ થતુ જ નથી. ફી ન ભરીએ તો શાળા રિઝલ્ટ અટકાવે છે, પરીક્ષા આપવા દેતા નથી. હાલ કોરોના કાળમાં અમારી સ્થિતિ કપરી બની છે. અન્ય એક વાલીએ કહ્યુ કે, ગત વર્ષે ફીમાં જે ઘટાડો કરાયો હતો, તે તો કરી નથી, તેની ઉપર ફી વધારો કર્યો છે. 25 ટકા ફી માફીની વાત તો સ્કૂલ કરતી જ નથી.

અમદાવાદના વાસણાની એપોલો સ્કૂલમાં વાલીઓને હોબાળો કરવાની જરૂર પડી છે. પૂરી ફી ન ભરી હોય તેવા વિદ્યાર્થીને પરીક્ષાના પેપર સ્કૂલ દ્વારા ન આપતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. 50 ટકા ફી ભરી હોય એવા વાલીઓને પણ શાળા ઓનલાઈ પ્રશ્નપત્ર નથી આપી રહી. 27 તારીખથી ઓનલાઈન પરીક્ષા શરૂ થઈ રહી છે, અને આવતીકાલે રજા હોવાથી વાલીઓ ચિંતિત બન્યા છે.

શાળાઓની મનમાની દિવસેને દિવસે વધી રહી છે. એક તરફ તેઓએ ફીમાં વધારો કર્યો છે, તો બીજી તરફ વિદ્યાર્થીઓના સ્વાસ્થય સાથે ચેડા કરવી જઈ રહી છે. રાજ્યની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ ચાલુ કરવા રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે માંગ કરી છે. શાળાઓએ શિક્ષણ મંત્રીને પત્ર લખી કહ્યું કે, માર્ચ મહિનામા પરીક્ષા આવતી હોવાથી ધોરણ 1થી 8નાં વર્ગો ફરી શરૂ કરો. કોરોના સંક્રમણ વચ્ચે શાળા સંચાલક મંડળે આ માંગ કરી છે.

(5:25 pm IST)