ગુજરાત
News of Tuesday, 25th January 2022

ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય જગદીશચંદ્ર ડામોરનું ૮૩વર્ષની વયે દુઃખદ નિધન

આદિવાસી પંચમંડળના સલાહકાર, ઈડર બાર એસોસીએશનના સભ્ય હતા, સમાજસેવામાં હંમેશા અગ્રેસર રહેતા

રાજકોટઃ જગદીશચંદ્ર દોલજીભાઈ ડામોર (પૂર્વ ધારાસભ્ય ખેડબ્રહ્મા) તા.૨૨ને શનિવારે રોજ દેવલોક પામ્યા છે. સદ્દગતનું બેસણું તા.૨૫-૨૬ મંગળવાર- બુધવારે સવારે ૯ થી ૧૨ સુધી સ્થળઃ મુ.પો.ધંધાસણ, તા.ભિલોડા, જી.અરવલ્લી મુકામે તેમજ તા.૨૭ને ગુરૂવારે સવારે ૧૦થી બપોરના ૩ સુધી બક્ષીપંચ આશ્રમ શાળા, નવી કોર્ટ પાસે મુ.પો.તા. ખેડબ્રહ્મા, જી.સાબરકાંઠા તથા સદ્દગતનું બારમું તા.૨ ફેબ્રુઆરીના બુધવારે સવારે ૯ કલાકે ધંધાસણ મુકામે રાખેલ છે. ગં.સ્વ.શર્મિષ્ઠાબેન જગદીશચંદ્ર ડામોર (પૂર્વ પ્રમુખ, ખેડબ્રહ્મા તાલુકા પંચાયત), ડામોર ચેતન જગદીશચંદ્ર (પૂર્વ સદસ્ય, સા.કાં.જિલ્લા પંચાયત મો.૯૪૨૭૫ ૯૪૫૦૦), ડામોર દિપક જગદીશચંદ્ર (પૂર્વ ન્યાય સમિતિ ચેરમેન, ભિલોડા તા.પં. મો.૯૩૧૬૭ ૦૦૫૨૧), ડો.હર્ષકુમાર જગદીશચંદ્ર ડામોર (રહે. ઓસ્ટ્રેલીયા (સીડની) મો.૯૪૨૭૫ ૩૧૦૬૬).

ઉત્તર ગુજરાતની ખેડબ્રહ્મા બેઠકના બે વખત માટે ધારાસભ્ય રહેલા જગદીશચંદ્ર દોલજીભાઈ ડામોર ૮૩ વર્ષના હતા.

પાંચમી વિધાનસભા-૧૯૭૫માં ખેડબ્રહ્મા બેઠકના સંસ્થા કૉંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્ય ખાતુજી કાઉડાજી કટારાનું મુદત વચ્ચે અવસાન થયું પછી ૧૯૭૮ની પેટાચૂંટણીમાં અને એ પછી છઠ્ઠી વિધાનસભા ૧૯૮૦-૧૯૮૫માં બીજી વાર તેઓ ચૂંટાઈ આવ્યા હતા.

સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકાના ધંધાસણ ગામે ૨૬ ફેબ્રુઆરી ૧૯૩૯ના રોજ તેમનો જન્મ. ઓગણચાલીસ વર્ષની યુવાન વયે ૧૯૭૮માં પેટાચૂંટણી દ્વારા પહેલી વાર ધારાસભ્ય થયા. બી. એ. (ઓનર્સ સાથે) તેમજ એલએલ. બી.નો અભ્યાસ કરીને ખેતી તેમજ વકીલાત કરતા હતા. તેમના સમાજમાંએ સમયે તેઓ સૌથી વધુ ભણેલા યુવાન હતા. એ કારણે જ યુવાનોના આદર્શ હતા. આદિવાસી સેવા સંઘ દ્વારા ધંધાસણ ખાતે સંચાલિત બક્ષી કોમના વિદ્યાર્થીઓ માટેના છાત્રાલયના સંચાલક રહ્યા હતા. ધારાસભ્ય થયા એ સમયે પાંચ વર્ષથી ઈડર નગર પંચાયતના સભ્ય હતા. ગુજરાત આદિવાસી વિદ્યાર્થી મંડળના સ્થાપક અને કારોબારી સભ્ય, ગુજરાત આદિવાસી યુવક મંડળના ઉપપ્રમુખ, સાબરકાંઠા જિલ્લા ડુંગરી ગરાસિયા–આદિવાસી પંચમંડળના સલાહકાર તેમજ ટીંટોડા હાઈસ્કુલના ટ્રસ્ટી તરીકે કાર્યરત રહ્યા. વકીલ લેખે ઈડર બાર અસોસિએશનના સભ્ય હતા. સમાજસેવામાં અગ્રેસર હતા. રમતગમત, દોડવાની સ્પર્ધા અને વોલીબોલ રમવાનું પસંદ હતું. પત્નીનું નામ શર્મિલાબહેન તેમજ ત્રણ પુત્રો અને ત્રણ પુત્રીઓનો બહોળો પરિવાર. ધારાસભ્ય થયા ત્યારે ગુજરાતના પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી નજીક આવેલા ધંધાસણ ગામે જ રહેતા હતા. તેમના પત્ની શર્મિલાબહેન જગદીશચંદ્ર ડામોર સાતમી વિધાનસભાની ખેડબ્રહ્મા ST અનામત બેઠકની ચૂંટણી અપક્ષ ઉમેદવાર લેખે પરાજિત થયા હતા.

છ ભાઈ - બહેનોના પરિવારમાં તેમના સૌથી નાના બહેન ડો. પ્રભાબહેન ડામોર તબીબી અભ્યાસ કરી ગાયનેક સર્જન થયા. લગ્ન પછી ડો.પ્રભાબહેન કિશોરસિંહ તાવિયાડ નામે ઓળખાતા થયા, વ્યવસાયી ધોરણે દાહોદમાં સ્થાયી થયા અને પંદરમી લોકસભા ૨૦૦૯-૨૦૧૪માં દાહોદ લોકસભા બેઠકના કોંંગ્રેસ પક્ષના સંસદસભ્ય થયા.તેમના જીવનસાથી ડો. કિશોરભાઈ પણ ડોકટર હોવા સાથે પંચમહાલ જિલ્લાના રાજકારણમાં સક્રિય રહ્યા.

જગદીશભાઈ ડામોરના ત્રણ પુત્રોમાંથી ચેતન ડામોર સાબરકાંઠા જિલ્લા પંચાયતના સભ્ય ભાજપમાંથી થયા, દિપક ડામોર ભિલોડા તાલુકા પંચાયતના સભ્ય કોંગ્રેસમાંથી થયા અને ડો. હર્ષ ડામોર ઓસ્ટ્રેલિયાના સીડની શહેરમાં ઇલેકટ્રો ફિજિયોલોજિસ્ટ તરીકે તબીબી પ્રેકિટસ કરે છે. બિનીત મોદી (અમદાવાદ) મો.૯૧ ૯૮૨૪ ૬૫૬ ૯૭૯

(1:01 pm IST)