ગુજરાત
News of Tuesday, 24th November 2020

અંતે અમદાવાદ જિલ્લા પંચાયતની 103 શાળાઓનો વહીવટ હવે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને સોંપાયો

ગ્રાન્ટના મામલે 10 વર્ષથી ઘોચમાં મુકાયેલી 103 શાળાઓનો પ્રશ્ન ઉકેલાયો :વિધિવત રીતે હસ્તાંતર કરાઈ: હવે AMCની શાળાઓની સંખ્યા 471 થઇ

અમદાવાદ : આખરે ગ્રાન્ટના મામલે 10 વર્ષ કરતા વધુ સમયથી ઘોચમાં મુકાયેલો મામલો ઉકેલાયો છે ગાંધીનગર અને અમદાવાદ જિલ્લા પંચાયતની 103 શાળાઓનો વહીવટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને વિધિવત રીતે હસ્તાંતર કરાઈ છે. આ નિર્ણયના કારણે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને આજે એટલે મંગળવારે વિધિવત રીતે હસ્તાંતર કરાઈ છે. આ નિર્ણયના કારણે હવે નગર પ્રાથમિક સમિતિ હસ્તકની મ્યુનિ. શાળાઓની સંખ્યા 471 પર પહોંચી છે

ગુજરાત સરકારે સને 2006માં નવું સીમાંકન કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયના ભાગરૂપે 2006માં નવા સીમાંકનમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં 19 નગરપાલિકા તથા 30 ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વિસ્તારના સમાવેશના કારણે જ શહેરનો વિસ્તાર વધતાં નવા પશ્ચિમ ઝોન ઊભો કરવામાં આવ્યો હતો. તે જ રીતે સરખેજ તેમ જ ચાંદખેડા પોલીસ મથકનો પણ અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી હસ્તક આવી ગયો હતો. આ જ પ્રમાણે સિટી, દસક્રોઇ તથા ચાંદખેડા, મોટેરા વિસ્તારમાં આવેલી અમદાવાદ તથા ગાંધીનગર જિલ્લા પંચાયત હસ્તકની 103 પ્રાથમિક શાળાઓને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન હસ્તક લેવાનો નિર્ણય લેવાયો હતો. ત્યાં સુધી કે આ શાળાઓનો વહીવટ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને સોંપવાનો જિલ્લા પંચાયતોએ ઠરાવ કરીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને આપ્યો હતો.

તે જ રીતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બેઠકમાં પણ જિલ્લા પંચાયતો હસ્તકની 103 શાળાઓને મ્યુનિ. કોર્પોરેશનમાં સમાવેશ કરવાનો ઠરાવ કર્યો હતો. તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે 10 વર્ષ પછી વિધિવત રીતે ગાંધીનગર અને અમદાવાદ જિલ્લા પંચાયતની 103 શાળાઓનો વહીવટ ગ્રાન્ટના મામલે આખોય મામલો ઘોંચમાં મૂકાયો હતો. પરિણામ સ્વરૂપ આ શાળાઓનો વહીવટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ( સ્કૂલ બોર્ડ )એ સંભાળ્યો ન હતો

અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓને ગુજરાત સરકાર તરફથી 100 ટકા ગ્રાન્ટ ચૂકવવામાં આવે છે. જયારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની મ્યુનિ. શાળાને 80 ટકા ગ્રાન્ટ સરકાર તરફથી ચૂકવવામાં આવે છે. જિલ્લા પંચાયતની શાળાઓને પણ સરકાર તરફથી 100 ટકા ગ્રાન્ટ ચૂકવવામાં આવે તેવી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની માંગ હતી. આ અંગે સરકાર તરફથી કોઇ નિર્ણય લેવાયો ન હતો. તેના કારણે સમગ્ર મામલો ઘોંચમાં મૂકાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે

અગાઉ મ્યુનિ શાળાની સંખ્યા 368 હતી. આ શાળાઓમાં 1,24,000 વિદ્યાર્થીઓ હતા. જ્યારે સ્ટાફની સંખ્યા 3650 હતી. નવી 103 શાળાઓ ઉમેરાતા કુલ શાળાનો આકડો 471 પર પહોંચ્યો છે. તે જ રીતે અંદાજે 31 હજાર વિદ્યાર્થીઓ ઉમેરાતા કુલ આકડો 1,55,000 પર પહોંચી છે. જ્યારે શિક્ષકોની સંખ્યા 950 પર પહોંચતા આક 4600 પર પહોંચ્યો છે

(8:56 pm IST)