ગુજરાત
News of Saturday, 24th September 2022

કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા સાગર પરિક્રમાયાત્રા અંતર્ગત દીવ પહોંચ્યા: માછીમારોને મળી પ્રશ્નો સાંભળ્યા

રૂપાલા માછીમારોની સમસ્યા સાંભળવા કોસ્ટગાર્ડના યુદ્ધપોત મારફતે કચ્છ માંડવીથી ઉંમરગામ સુધીની સાગર પરિક્રમા કરી રહ્યા છે

અમદાવાદ : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા દરિયાઈ માર્ગે સાગર પરિક્રમાના કાર્યક્રમ અંતર્ગત દીવ  પહોંચ્યા હતા પરષોત્તમભાઈ  રૂપાલા માછીમારોની સમસ્યા સાંભળવા કોસ્ટગાર્ડના યુદ્ધપોત મારફતે કચ્છ માંડવીથી ઉંમરગામ સુધીની સાગર પરિક્રમા કરી રહ્યા છે..આ અંતર્ગત રૂપાલાએ દીવના ઘોઘલા લાખીઆઈ ફિશરમેન શેડમાં માછીમાર સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી..અહીં સ્થાનિક માછીમારોએ મચ્છીના ઓછા ભાવ, ડીઝલનો ભાવ વધારો, પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારો સહિતના પ્રશ્ને કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરી હતી.

આ દરમિયાન પરસોતમભાઇ રૂપાલાએ જણાવ્યુ કે સાગર પરિક્રમા યાત્રાનો પ્રથમ ફેઝ કચ્છના માંડવીમાં શ્યામજી કૃષ્ણવર્માની તપસ્થલીને વંદના કરીને શરૂ કરવામાં આવ્યો હતો. આ યાત્રા દરમિયાન માંડવીથી ઓખા થઈ પોરબંદરમાં એ સાગર પરિક્રમા યાત્રાના પ્રથમ ફેઝનુ સમાપન કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ હવામાનને કારણે યાત્રામાં રૂકાવટો આવી હતી. તેના બીજા ફેઝનો માંગરોળથી પ્રારંભ કરવામાં આવ્યો છે. 25 સપ્ટેમ્બર સુધી તે ચાલશે. જેમા દમણ સહિતના વિસ્તારોને આવરી લેવામાં આવશે. રૂપાલાએ જણાવ્યુ કે આ સાગર પરિક્રમા યાત્રાનો મુખ્ય આશય સમુદ્ર કિનારે, કાંઠા વિસ્તારમાં વસતા લોકોને, માછીમારોને રૂબરૂ મળી તેમની સાથે તેમની સમસ્યાઓ, વાતો જાણવાનો છે. તેમણે વધુમાં જણાવ્યુ કે આપણી સમુદ્રીય સૃષ્ટિને જાણવા અને સમજવાનો પ્રયાસ કરવાનો છે. સાગરખેડૂને લગતી આપણી પોલિસી કેવી હોવી જોઈએ તેને માટેના ઈનપુટ્સ લેવા માટેનો પણ આ સાગર પરિક્રમા યાત્રા દ્વારા પ્રયાસ કરાતો હોવાનું રૂપાલાએ જણાવ્યુ હતુ.

(11:48 pm IST)