ગુજરાત
News of Thursday, 24th September 2020

ગુજરાતની બીજી હરિયાળી ક્રાંતિના પથદર્શક બની રહેલા લાખો ખેડૂતોને મદદ કરવા રાજ્ય સરકાર હંમેશા તત્પર: કૃષિ મંત્રી આર. સી. ફળદુ

રાજયની ચાર કૃષિ યુનિવર્સિટીઓ હસ્તકની ૧૧ કોલેજો અને પોલીટેકનીકો કામધેનુ યુનિવર્સિટીમાં તબદિલ કરાશે: ગુજરાત સેક્ટોરીયલ ક્ષેત્રે અવનવી યુનિવર્સિટી માટેના અભિગમને વેગ મળશે: ગુજરાત યુનિવર્સિટીઓ કાયદા (સુધારા) વિધેયક, ૨૦૨૦ ગુજરાત વિધાનસભા ખાતે પસાર

અમદાવાદ : કૃષિ મંત્રીશ્રી આર. સી. ફળદુએ કહ્યું કે, ગુજરાતની બીજી હરિયાળી ક્રાંતિના પથદર્શક બની રહેલા લાખો ખેડૂતોને મદદ કરવા રાજ્ય સરકાર હંમેશા તત્પર છે. ગુજરાત રાજ્યમાં ગુજરાત કૃષિ યુનિવર્સિટી અધિનિયમ-૧૯૬૯થી ગુજરાત કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર ખાતે સ્થાપના કરવામાં આવેલ હતી. ગુજરાતમાં કૃષિ શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ  શિક્ષણને વેગ આપી કૃષિના વિકાસ દર વધારવાના હેતુસર દીર્ઘદ્રષ્ટા તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ચાર કેમ્પસોને  સ્વતંત્ર કૃષિ યુનિવર્સિટી તરીકે વિકસાવવા માટે ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓ અધિનિયમ-૫/૨૦૦૪થી  ચાર સ્વતંત્ર કૃષિ યુનિવર્સિટીઓ આણંદ, જુનાગઢ, નવસારી અને સરદાર કૃષિનગર-દાંતીવાડા કાર્યરત કરવામાં આવેલ છે.
  મંત્રીએ કહ્યું કે, ગુજરાત સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રને પ્રાથમિકતા આપી તેનો સંતુલિત વિકાસ થાય તેવો અભિગમ રહેલ છે. ખેડુતોના સર્વાંગી વિકાસ માટે અવિરત પ્રયાસ કરતી અમારી સરકાર દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ દરમ્યાન ગુજરાતના કૃષિ ઉત્પાદનમાં ૧૨.૧૧ ટકાના દરે વૃદ્ધિ કરેલ છે અને દેશના કૃષિ અર્થતંત્રમાં ગુજરાતનો ફાળો ૭.૩૦ ટકા છે, જે દેશના અન્ય મોટા રાજ્યોની સરખામણીએ ઘણો ઉંચો છે.    
  મંત્રીએ કહ્યું કે, કૃષિ યુનિવર્સિટીઓની ત્રિવિધ મુખ્ય પ્રવૃત્તિઓ કૃષિ શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ શિક્ષણ પ્રવૃત્તિઓ દ્વારા ખેતી અને કૃષિ વિકાસ દર વધારવા માટે પ્રવૃત્તિઓ હાથ ધરી રહી છે. કૃષિ શિક્ષણમાં વર્ષ ૨૦૦૪ માં કૃષિ, પશુપાલન, હોમ સાયન્સ , ડેરી સાયન્સ અને કૃષિ ઇજનેરી જેવી પાંચ વિદ્યાશાખા અંતર્ગત સ્નાતક, અનુસ્નાતક તથા પી.એચ.ડી. કક્ષાના અભ્યાસક્રમોમાં કુલ મળી ફક્ત ૬૫૫ પ્રવેશ ક્ષમતાની ૧૧(અગિયાર) કોલેજો હતી. રાજ્ય સરકારના અથાગ પ્રયત્નો દ્વારા  હાલમાં કૃષિ અને સંલગ્ન વિજ્ઞાનોની ૬૨ કોલેજો અને પોલિટેકનિકો અંતર્ગત ૫૦૦૦ જેટલી  બેઠકોની પ્રવેશ ક્ષમતા ઉપલબ્ધ કરાવી સરકારે નોંધનીય  સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. કૃષિ અને સંલગ્ન અભ્યાસક્રમોમાં રાજય સરકારે નહિવત ફીનું ધોરણ રાખેલ છે,  જ્યારે વિદ્યાર્થીનીઓ માટે વર્ષ ૨૦૦૭-૦૮ થી ટ્યુશન ફી અને હોસ્ટેલ ફી માફ કરી દેવામાં આવી છે. 
મંત્રીએ કહ્યું કે, છેલ્લા ચાર પાંચ વર્ષથી કૃષિ યુનિવર્સિટીઓમાં પદવીદાન સમારંભ દરમિયાન આપણી કૃષિ યુનિવર્સિટીઓની વિદ્યાર્થીનીઓએ ૭-૭ અને ૯-૯ ગોલ્ડ મેડલ મેળવ્યા છે. લોકડાઉન સમયના કોરોના મહામારીના કપરા સમય દરમિયાન પણ કૃષિ શિક્ષણને અટકવા દીધુ નથી. કૃષિ યુનિવર્સીટીઓના અધ્યાપકોએ લોકડાઉન દરમિયાન વિદ્યાર્થીઓને ઓનલાઈન વેબીનાર યોજી શિક્ષણ આપી ૯૭% અભ્યાસક્રમ પૂર્ણ કર્યો અને કોઈપણ જાતની અગવડ વિના પરીક્ષાઓ લેવાઈ અને પરીક્ષાના પરિણામ જાહેર કરી માર્કશીટ પણ તૈયાર કરી દેવામાં આવી છે.
મંત્રીએ કહ્યું કે, આપણી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધન ક્ષેત્ર હેઠળ ક્ષેત્રિય પાકોની ઉત્પાદકતા, ગુણવત્તા  અને નફો  વધારવાના હેતુથી વધુ ઉત્પાદન આ૫તી જાતો/સંકર જાતો અને વિવિધ તાંત્રિક પદ્ધતિઓ વિકસાવીને ખેતીને ટકાઉ અને સ્થિર બનાવવા માટે ખાસ  સંશોધન કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે. સંશોધન માટે વર્ષ ૨૦૦૪ પહેલા ૫૬ સંશોધન કેન્દ્રો અંતર્ગત જુદા જુદા પાકોની ૮૨ જાતો અને ૭૦૦ જેટલી ખેડુતોપયોગી નવી ટેકનોલોજી વિકસાવવામાં આવી હતી તેની સામે હાલમાં ૧૦૯ જેટલા સંશોધન કેન્દ્રો થકી  પાકોની ૨૯૭ જાતો અને ૩૪૨૦ જેટલી ખેડુતોપયોગી નવી ટેકનોલોજી વિકસાવવામાં આવી છે.
મંત્રીએ કહ્યું કે, ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ગુજરાતે કૃષિ વિસ્તરણ શિક્ષણ ક્ષેત્રે ઘણી નવી પહેલ કરી છે, પરિણામે નોંધપાત્ર સંખ્યામાં કિસાનો કૃષિના ઋષિ સમાન બની રહયા છે તેમજ આપણા ગુજરાતના કૃષિ વૈજ્ઞાનિકોએ નવા નવા સંશોધનો કરીને ખેડૂતોને નવી પધ્ધતિઓ અંગે જાણકારી આપીને અભિપ્રેરિત કરેલ છે. રાજય સરકારની કૃષિ વિકાસશીલ નિતી, કૃષિ વૈજ્ઞાનિકોની કાર્ય નિષ્ઠા, ખેતીવાડી ખાતાના અધિકારીઓનો હકારાત્મક અભિગમ અને ખેડૂતોના પરિશ્રમના સમન્વયથી ગુજરાતમાં કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા ટ્રાન્સફર ઓફ ટેકનોલોજીની પ્રવૃત્તિઓ ખુબ જ સફળતાપૂર્વક ચાલી રહી છે, જે કૃષક સમાજ સહિત સર્વે માટે ખુબ ગૌરવની બાબત છે. વિસ્તરણ શિક્ષણ હેઠળ ભારત સરકાર પ્રેરિત મેરા ગાંવ મેરા ગૌરવ કાર્યક્રમ, ફાર્મર ફર્સ્ટ પ્રોગ્રામ, ઉન્નત ભારત અભિયાન, સોઈલ હેલ્થ કાર્ડ, ફાર્મ મિકેનાઈઝેશન, સ્કીલ ટ્રેઈનીંગ, મહિલા સશક્તિકરણ, સંકલ્પ સે સિધ્ધિ, ગ્રામ સ્વરાજ અભિયાન, કીસાન કલ્યાણ મહોત્સવ, સ્વચ્છતા અભિયાન અને ખાત્રીયુકત બિયારણ માટે સીડ હબ જેવા ખેડૂતલક્ષી કાર્યક્રમો પણ ચલાવવામાં આવે છે. રાજ્યની આણંદ કૃષિ યુનિવર્સિટી ધ્વારા વર્ષ- ૨૦૨૦માં અટલ રેન્કીગમાં ભારતની લગભગ ૬૭૫ જેટલી યુનિવર્સિટીઓ/સંસ્થાઓમાં ચોથા નંબરનું સ્થાન મેળવીને ગુજરાતનું ગૌરવ વધારેલ છે.
  મંત્રીએ કહ્યું કે, ગુજરાત રાજ્યમાં પશુવિજ્ઞાન, ડેરીવિજ્ઞાન અને મત્સ્યપાલન જેવા ક્ષેત્રોમાં  મજબૂતી પ્રદાન કરવાના ભાગરૂપે કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના જુલાઈ, ૨૦૦૯ માં કરવામાં આવી હતી. કામધેનુ  યુનિવર્સિટીના મુખ્ય ઉદ્દેશ મુજબ પશુવિજ્ઞાન, ડેરી વિજ્ઞાન અને મત્સ્ય વિજ્ઞાનને લગતી નવી કોલેજો શરુ કરવાની થતી હતી. જ્યારે કૃષિ યુનિવર્સિટીઓ હસ્તકની હયાત પશુ વિજ્ઞાન, ડેરી વિજ્ઞાન અને મત્સ્ય વિજ્ઞાનને લગતી કોલેજો જે તે કૃષિ યુનિવર્સિટી ખાતે ચાલુ રાખવાની થતી હતી. આ કોલેજોને વધુ મજબુત અને વિસ્તૃત કરવા માટે જે તે વખતે કામધેનુ યુનિવર્સિટીમાં તબદીલ કરી શકાયેલ ન હતી. કામધેનુ  યુનિવર્સિટીના મુખ્ય ઉદ્દેશ મુજબ ડેરી વિજ્ઞાનની એક કોલેજ તથા પશુ વિજ્ઞાનની એક પોલિટેકનિકની સ્થાપના કરવામાં આવેલ.

 મંત્રીએ કહ્યું કે, પશુપાલન, ડેરી અને મત્સ્યપાલનની પ્રવૃત્તિઓ એક છત્ર હેઠળ લાવવાના હેતુથી  ગુજરાત રાજયની ચાર કૃષિ યુનિવર્સિટીઓ હસ્તકની  ચાર પશુવિજ્ઞાન  કોલેજો, બે ડેરી વિજ્ઞાન કોલેજો, બે મત્સ્યવિજ્ઞાન કોલેજો અને પશુપાલનની ત્રણ પોલીટેકનીક કોલેજો મળી કુલ ૧૧ કોલેજો કામધેનું યુનિવર્સિટીમાં તબદિલ કરવા માટે ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓ (મૂળ) અધિનિયમ-૨૦૦૪ ની કેટલીક કલમોમાં સુધારા વધારા કરવા માટેની અનિવાર્યતા જણાયેલ છે.
મંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓ (મૂળ) અધિનિયમ-૨૦૦૪ ની કલમ-૨(૨)માં “કૃષિ (ખેતી)” ની વ્યાખ્યામાંથી   “ પશુચિકિત્સા અને ડેરી વિજ્ઞાન સહિત પશુપાલન, મત્સ્યોદ્યોગ”  શબ્દ દૂર કરવામાં આવશે. કલમ ૬૭ નો ઉમેરો કરી ગુજરાત કૃષિ યુનિવર્સિટી અધિનિયમ અંતર્ગત ૧૯૬૯ થી ૨૦૦૪ દરમિયાન  જે ૧૧ કોલેજો સ્થાપાયેલી હતી તેમાં વર્ષ ૨૦૦૪ બાદ નવી સ્થાપવામાં આવેલ ૫૧ કોલેજો અને પોલિટેકનિકોનો અનુસુચિ-૨ માં ઉમેરો કરાયો છે. કલમ ૬૮ નો ઉમેરો થવાથી અનુસુચિ-૩ માં દર્શાવેલ ૧૧ કોલેજો અને પોલીટેકનીકો કામધેનુ યુનિવર્સિટીમાં તબદિલ થશે. આમ, ગુજરાત કૃષિ યુનિવર્સિટી (મૂળ) અધિનિયમ, ૨૦૦૪ ની કલમ-૨(૨) માં સુધારો અને કલમ-૬૭,૬૮,૬૯(ઉમેરો) તથા કામધેનુ યુનિવર્સિટી અધિનિયમ -૨૦૦૯ ની કલમ ૨(૭) , ૨(૯) , ૨(૨૦),  કલમ ૪ અને  કલમ ૫(૬) માં સુધારો,  કલમ ૧૦(૬) પછી ૧૦(૭) અને ૧૦(૮) નો ઉમેરો, કલમ ૨૧(૨), કલમ ૨૧(૪), કલમ ૨૩(૧)(૩), કલમ ૨૩(૧)(૫) કલમ ૨૫(૧) (૬), કલમ ૨૭(૧)(૬), કલમ ૩૬(૪), કલમ ૩૬(૫) તથા કલમ ૩૯ માં સુધારો અને કલમ ૬૭,૬૮, ૬૯ નો ઉમેરો  કરવામાં આવ્યો છે.
  મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ગુજરાત યુનિવર્સિટીઓ કાયદા (સુધારા) વિધેયક, ૨૦૨૦ ને પરિણામે ખુબ જ હકારાત્મક પરિણામો મળશે જેવા કે “એક જ વિન્ડો”થી આ અભ્યાસક્રમનો પ્રવેશ, શિક્ષણ, સંશોધન અને વિસ્તરણની કામગીરી હાથ ધરવામાં આવશે. સમગ્ર રાજયમાં તજજ્ઞનો કાર્યક્ષમ ઉપયોગ કરી શિક્ષણ અને સંશોધનના કાર્યક્રમને વેગ મળશે. નિષ્ણાંત માનવબળનો સમગ્ર રાજયમાં ઉપયોગ કરવાની સર્વશ્રેષ્ઠ શિક્ષણ કાર્યને વેગ મળશે. કામધેનુ યુનિવર્સિટીને આઇ.સી.એ.આર.ની માન્યતા ઝડપથી પ્રાપ્ત થવાથી આઇ.સી.એ.આર. ડેવલપમેન્ટ ગ્રાન્ટ મળવાથી યુનિવર્સિટીનો વધુ વિકાસ થશે. કામધેનુ યુનિવર્સિટીની રાષ્ટ્રીય ઓળખ ઊભી થશે. કામધેનુ યુનિવર્સિટી થવાથી સંશોધનની પ્રક્રિયા બેવડાતી હતી તેને નિયંત્રણ લાવી શકાશે. નેશનલ એજયુકેશન પોલીસી-૨૦૨૦ મુજબ ૩૦૦૦ વિદ્યાર્થીઓ હોવા જોઇએ તે લક્ષ્યાંક પુરો કરવામાં વેગ મળશે અને તેના કારણે રાજય સરકાર ઉપર નાણાંકીય બોજો ઘટશે. ગુજરાત સેક્ટોરીયલ ક્ષેત્રે અવનવી યુનિવર્સિટી માટેના અભિગમને વેગ મળશે. વિસ્તરણ ક્ષેત્રોમાં લેબ ટુ લેન્ડની વિસ્તરણ પ્રવૃતિઓને વેગ મળશે અને ગ્રામ વિકાસ અને મહીલા સશક્તિકરણ થકી માન.વડાપ્રધાનશ્રીના ધ્યેય ખેડૂતોની આવકને બમણી કરવાનું સપનુ ઝડપથી સાકાર થશે.
  રાજ્યનાં પશુપાલન મંત્રી કુંવરજીભાઇ એ આ વિધેયકની ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતુ કે, રાજ્ય સરકારે કૃષિ અને પશુપાલનના અભ્યાસ ક્ષેત્રે કરેલ નવતર આયમોને પરિણામે પશુપાલકો અને સાગરખેડૂની પેદાશમાં મુલ્યવર્ધન કરવા પર ભાર મૂકીને અનેક સંશોધનો કર્યા છે જેના પરિણામે મહત્વની સિદ્ધિ પણ પ્રાપ્ત થઈ છે. આ સુધારા વિધેયક વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે મહત્વનું પુરવાર થશે. મંત્રીએ રાજ્યસરકારની કામગીરીની વિસ્તૃત વિગતો આપી હતી. આ વિધેયક ગુજરાત વિધાનસભા ખાતે પસાર કરાયુ હતું.

(10:52 pm IST)