ગુજરાત
News of Friday, 24th June 2022

ઘૂમટો હટાવોઃ રિવાજ ખોટો નથી પણ સમય સાથે પરિવર્તન જરૂરી

જીતુ વાઘાણીએ ભરી સભામા મહિલા સરપંચને કહ્યું : કાર્યક્રમ દરમિયાન ગામના પ્રથમ મહિલા સરપંચ મીનાબા સ્‍ટેજ પર ઘૂમટો તાણીને ઉભા હતા

મહેસાણા, તા.૨૪: ઉત્તર ગુજરાતમાં મહેસાણાના રાંતેજ ગામ ખાતે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જે કામ કર્યું તેની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. કાર્યક્રમ દરમિયાન ગામના પ્રથમ મહિલા સરપંચ મીનાબા સ્‍ટેજ પર ઘૂમટો તાણીને ઉભા હતા. ઉપરાંત ગામની તમામ મહિલાઓ માથે ઓઢીને એક બાજુ જમીન પર બેઠી હતી જ્‍યારે પુરૂષો પ્‍લાસ્‍ટિકની ખુરશીઓ પર બેઠેલા હતા.

ત્‍યારે જીતુ વાઘાણીએ ગામના પ્રથમ મહિલા સરપંચ મીનાબાને ભારપૂર્વક વિનંતી કરી હતી કે, તેઓ ઘૂમટો હટાવી લે. તેમણે વાર્ષિક શાળા પ્રવેશોત્‍સવ તથા કન્‍યા કેળવણીના શુભારંભ પ્રસંગે ઉપસ્‍થિત ગ્રામજનોને સંબોધીને કહ્યું હતું કે, ‘જો વડીલો મંજૂરી આપે તો હું મીનાબાને આ પરંપરામાંથી બહાર આવવા વિનંતી કરીશ.'

જીતુ વાઘાણીની આ અપીલ બાદ એક યુવકે ઉભા થઈને ઁસર, અમે રાજપૂત છીએ તેમ કહ્યું હતું. તેના જવાબમાં વાઘાણીએ જાતિને આના સાથે શું લાગે-વળગેઁ તેવો -‘ કર્યો હતો. વધુમાં કહ્યું હતું કે, માન, મર્યાદા ઠીક છે પરંતુ તમે જ્‍યારે સરપંચ હોવ ત્‍યારે તમારે આ પરંપરાઓમાંથી બહાર આવવું જોઈએ. ગામને નક્કી કરવા દો. ચારે બાજુ નજર કરો, દુનિયા કયાં પહોંચી ગઈ છે? આવું કરીને (ઘૂમટો હટાવીને) આપણે આપણી મર્યાદા ગુમાવતા નથી. બધું પાલન કરો પરંતુ ઘરે.

જીતુ વાઘાણીએ આગળ કહ્યું હતું કે, હું એમ નથી કહેતો કે આ રિવાજ (પરંપરા) ખોટી છે પરંતુ આપણે સમય પ્રમાણે બદલાવું જોઈએ અને આ બધામાંથી બહાર આવવું જોઈએ જેથી આપણે આગળ વધી શકીએ. આખરે સ્‍ટેજ પર ઉપસ્‍થિત ગામના એક વડીલે વાઘાણીની વાતનો સ્‍વીકાર કર્યો હતો. તેમના સંકેત બાદ મીનાબાએ અનિચ્‍છાએ માથા પરથી સાડીનો પાલવ દૂર કરીને પોતાનો ચહેરો ખુલ્લો કર્યો હતો. આ ઉપરાંત સ્‍ટેજ પર તેમના માટે વધારાની ખુરશીની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.

(3:38 pm IST)