ગુજરાત
News of Tuesday, 24th May 2022

દેડીયાપાડા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વનબંધુઓને વાંસ આધારિત કેન્દ્રોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે

કાર્યક્રમના આયોજનની પૂર્વ તૈયારીઓ અંગે જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા કલેકટર અંકિત પન્નુએ દેડીયાપાડા ખાતે યોજેલી સમીક્ષા બેઠકમાં અમલીકરણ અધિકારીઓને અપાયું માર્ગદર્શન

   (ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં તા.૨૬ મી મે,૨૦૨૨ને ગુરૂવારના રોજ નર્મદા જિલ્લાના આદિવાસી અને અંતરિયાળ વિસ્તાર દેડીયાપાડા તાલુકા મથકે વનબંધુઓને વાંસનું વિનામૂલ્યે વિતરણ અને વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રો (રૂરલ મોલ) ના યોજાનારા લોકાર્પણ કાર્યક્રમના આયોજન સંદર્ભે જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરાયેલી પૂર્વ તૈયારીઓની ગઇકાલે જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ  જિલ્લા કલેકટર અંકિત પન્નુના અધ્યક્ષપદે દેડીયાપાડા આદર્શ નિવાસી શાળા ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં અંકિત પન્નુએ આ કાર્યક્રમ સંદર્ભે જુદા જુદા વિભાગો ધ્વારા હાથ ધરાયેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા સાથે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
  નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસ, નાયબ વન સંરક્ષક નિરજકુમાર, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક એચ.પી.મોદી અને સુશ્રી વાણી દૂધાત, પ્રાયોજના વહિવટદાર બી.કે. પટેલ, દેડીયાપાડાના પ્રાંત અધિકારી આનંદ ઉકાની, રાજપીપલાના પ્રાંત અધિકારી હિતેશ પટેલ, તાલુકા મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત વિવિધ વિભાગના સંબંધિત અમલીકરણ અધિકારીઓ અને વિવિધ સમિતિઓ સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા કલેકટર અંકિત પન્નુએ સંબંધિત સમિતિઓને સોંપાયેલી કામગીરી અને ફરજ સુપેરે પાર પડે તે માટે પૂરતી કાળજી અને ચોકસાઇ રાખવા ખાસ અનુરોધ કર્યો હતો.
  આ કાર્યક્રમના સુચારા આયોજનના ભાગરૂપે વિવિધ ૨૪ જેટલી સમિતીઓની રચના કરવામાં આવી છે અને આ સમિતિઓમાં સમાવિષ્ટ વિવિધ અધિકારીઓ-કર્મચારીઓને એકબીજા વચ્ચે સુસંકલન સાધીને તેમને સોંપયેલી કામગીરી વધુ સઘન અને અસરકારક રીતે પરિપૂર્ણ થાય તે જોવાની પણ તેમને ખાસ સૂચના આપી હતી. ઇન્ચાર્જ  જિલ્લા કલેકટર અંકિત પન્નુએ દેડીયાપાડા ખાતે મુખ્યમંત્રીના આ કાર્યક્રમના આયોજન સંદર્ભે કાર્યક્રમના સ્થળે થઇ રહેલી પૂર્વ તૈયારીઓ અને વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રના સ્થળની પણ રૂબરૂ મુલાકાત લઇ, થઇ રહેલી કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન જિલ્લા પ્રશાસનના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ તેમની સાથે જોડાયાં હતા.

(11:15 pm IST)