ગુજરાત
News of Tuesday, 24th May 2022

અમદાવાદ :જેલની સજાની વાત કરતા જ કન્યા લગ્ન માટે ના પાડતી :102 રિજેક્શનનો સામનો કરવો પડ્યો

જેલવાસ દરમિયાન ગાંધીવાદી ફિલસૂફી જાણીને પોતાના ભૂતકાળ અંગે પારદર્શક રહેવાનું નક્કી કર્યુ હતું

અમદાવાદ: 32 વર્ષીય સુનિલ પટેલ પોતાના માટે કન્યાની શોધમાં હતો, ત્યારે તેને 102 રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. લગ્ન માટેના તમામ પ્રપોઝલ રિજેક્ટ થઇ રહ્યા હતા, કારણ કે તે દરેક છોકરીને કહેતો હતો કે, તે દોષિત હતો અને નકલી ચલણના કેસમાં 5 વર્ષ સુધી જેલમાં રહી ચૂક્યો છે. સુનિલનો પોતાના ગુનાહિત ભૂતકાળ જાહેર કરવાનો આગ્રહ તેના પર સત્ય અને અહિંસાના ગાંધીવાદી આદર્શોના પ્રભાવને કારણે હતો. તેણે જેલવાસ દરમિયાન ગાંધીવાદી ફિલસૂફી જાણીને પોતાના ભૂતકાળ અંગે પારદર્શક રહેવાનું નક્કી કર્યુ હતું.

અંગ્રેજી દૈનિક ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલા અહેવાલ પ્રમાણે એક વર્ષ સુધી ચાલેલી દુલ્હનની શોધ પછી તેણે તાજેતરમાં નિરાલી ચિત્રોડા સાથે લગ્ન કર્યા છે, જેની સાથે તે જેલમાંથી છૂટ્યો ત્યારથી કામના સંબંધમાં સંપર્કમાં હતો. નિરાલીને સુનિલના જેલવાસ વિશે ખયાલ હતો, પરંતુ તેના પિતાને આ સંબંધ માટે સમજાવવામાં તેને થોડો સમય લાગ્યો હતો. જેઓ અંતે તે શરતે લગ્ન માટે તૈયાર થયા કે સુનિલ પોતાની જેલવાસની વાતો બધે જ જાહેર કરવાનું બંધ કરી દે, કારણ કે પરિવારના અન્ય સભ્યો અને સમુદાયના લોકોએ તેના વિશે જાણવું યોગ્ય નથી.

નામ ન જણાવવાની શરતે તેણે જણાવ્યું કે, “લોકોને મારા ભૂતકાળ અને જેલવાસની વાત વિશે જણાવવામાં મને કોઇ જ વાંધો નથી, પરંતુ મારા સસરા સાથે મારા સંબંધો ઘણા સારા છે અને હું ઇચ્છું છું કે મારા દ્વારા કરવામાં આવતી કોઇ પણ ચોખવટથી તેમની લાગણીઓને ઠેસ ન પહોંચે.”

10 ધોરણ ભણેલા સુનિલ પટેલની 2014માં તેના મિત્રો સાથે નકલી ચલણી નોટોના કેસના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તેને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. 2016માં જ્યારે સાબરમતી સેન્ટ્રલ જેલમાં હતો, ત્યારે તેણે ગાંધીવાદી સિદ્ધાંતો વિશે જાણ્યું હતું. જેલ અધિકારીઓએ મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત સંસ્થા નવજીવનની મદદથી કેદીઓને ગાંધીવાદી ફિલસૂફી શીખવવાનું શરૂ કર્યુ હતું. સુનિલે પોતાનો કેસ ન લડવાનું નક્કી કરીને ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અપીલ દરમિયાન પોતાનો ગુનો કબૂલ કર્યો, જે બાદ તેની સજાની મુદ્દત અડધી કરી હતી. તેને 2019માં જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો. જે બાદ તેને નવજીવનમાં નોકરી પણ કરી હતી. તેમની નોકરી ઉપરાંત સુનિલે 80થી વધુ કેદીઓને જેલમાંથી મુક્ત કરવામાં મદદ કરી હતી, જેમની નાના ગુનાઓમાં ધરપકડ કરવામાં આવી હતી અને સંસાધનનોની અછતના કારણે જામીન મેળવવામાં આ લોકો અસમર્થ હતા.

જેલમાંથી છૂટ્યા બાદ તેણે પોતાને સમાજમાં સ્થાપિત કરવા માટે ઓનલાઇ મેરેજ વેબસાઇટ્સ પરથી પોતાના માટે કન્યા શોધવાનું શરૂ કર્યુ, કારણ કે અન્ય કોઇ વ્યક્તિ તેને લગ્નની ભલામણ કરવા માટે તૈયાર નહોતું. સુનિલ જણાવે છે કે, “મે મારા જેલવાસ વિશે કંઇ પણ ન છૂપાવવાનું નક્કી કર્યુ. શરૂઆતમાં ફોન પર વાત કર્યા બાદ હું કેટલીક મહિલાઓને મળ્યો. જ્યારે મેં તેમને મારી જેલની સજા વિશે જણાવ્યું. ત્યારે તેઓએ કોઇ પણ બહાને વાત કરવાનું બંધ કરી દીધું. હું નિરાશ હતો. ત્યારે પછી મેં પહેલા જ ફોનમાં વાતચીત દરમિયાન છોકરીઓને મારા ભૂતકાળ વિશે જણાવવાનું નક્કી કર્યું. ઘણી વખત એવું પણ બન્યું કે જ્યારે મે મારી જેલની સજાનો ઉલ્લેખ કર્યો અને સામેથી ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો. વાતચીત અચાનક જ બંધ થઇ જતી હતી.

 

(9:15 pm IST)