ગુજરાત
News of Tuesday, 24th May 2022

ગાંધીનગર સચિવાલયમાં મહિલા કર્મચારીના બાળકો માટે ઘોડિયાઘર તૈયાર કરવામાં આવ્યું

ગાંધીનગર:  સચિવાલય સહિત સરકારી કચેરીઓમાં મહિલા કર્મચારીઓની સંખ્યામાં નોંધનિય વધારો થયો છે. ત્યારે જિલ્લા સેવા સદનમાં ધાત્રી માતા એવી મહિલા કર્મચારીઓના માસુમ બાળકો માટે ઘોડીયા ઙરની સુવિધા ઉભી કરવામાં આવી છે. આધુનિક બાલમંદિર કે આંગણવાડીને ટક્કર મારે તેવી બાળકો માટે પ્લે એરિયા, રમતના સાધનો, ફિડીંગરૃમ, ટોઇલેટ, પેન્ટ્રી સહિતની સુવિધાઓ અહીં આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટર કચેરીની આજુબાજુમાં ડિસ્ટ્રીક્ટ કોર્ટ, મહાનગર પાલિકાની કચેરીઓ તો આવેલી જ છે, ઉપરાંત તેની બાજુમાં પણ જિલ્લા અને રાજ્ય કક્ષાની કચેરીઓ ધરાવતું સહયોગ સંકુલ આવેલું છે. સ્વાભાવિક રીતે જ છેલ્લે થયેલી નવી ભરતીઓ દરમિયાન મહિલા કર્મચારીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. આ મહિલા કર્મચારીઓ પૈકી નાના બાળકોની માતા હોય તેમના માટે મોટી સમસ્યા ઉભી થતી હોવાથી અધિક નિવાસી કલેક્ટર દ્વારા કલેક્ટર કચેરીના બિલ્ડીંગમાં ઘોડિયા ઘરની સુવિધા ઉભી કરવામાં આવે તેના માટે પહેલ કરાઇ હતી અને તેના પગલે બિલ્ડીંગમાં ચોથા માળે જગ્યા ફાળવવામાં આવતાં પાટનગર યોજના વિભાગ દ્વારા ત્યાં ઘોડિયા ઘર તૈયાર કરી આપવામાં આવ્યું છે, જેને પ્રભારી મંત્રી હસ્તે ખુલ્લુ મુકવામાં આવે તેવી શક્યતા છે.

(6:26 pm IST)