ગુજરાત
News of Tuesday, 24th May 2022

૧૧.૬૯ લાખ ખેડૂતોને અંદાજે રૂ. 260 કરોડથી વધુનો યોજનાકીય લાભ અપાયો : ભૂપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રીએ રાજ્યના ૧૪ જિલ્લાઓના ૧ લાખ ર૩ હજાર જેટલા આદિજાતિ ખેડૂતોને કૃષિ વૈવિધ્યકરણ યોજના ૨૦૨૨-૨૩ અન્વયે ખાતર-બિયારણ કિટ્સ વિતરણનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો

રાજકોટ તા.૨૪

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ૧૪ જિલ્લાઓના ૧ લાખ ર૩ હજાર જેટલા આદિજાતિ ખેડૂતોને કૃષિ વૈવિધ્યકરણ યોજના ૨૦૨૨-૨૩ અન્વયે ખાતર-બિયારણ કિટ્સ વિતરણનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો.

     કૃષિ વૈવિધ્યકરણની આ યોજના અંતર્ગત આ વર્ષે ખરિફ સિઝન માટે આદિજાતિ ખેડૂતોને ૦.પ એકર જમીન માટે ઉત્તર અને મધ્ય ગુજરાતના સાત જિલ્લાના ૭પ હજાર જેટલા ધરતીપુત્રોને મકાઇનું બિયારણ અને ખાતર કિટ વિતરણ કરાશે.

દક્ષિણ ગુજરાતના ૭ જિલ્લાઓના અંદાજે ૪૮૦૦૦ લાભાર્થીઓને સુધારેલા શાકભાજીના બિયારણ ખાતર કિટ વિતરણ કરાશે.

     રાજ્ય સરકાર દ્વારા ૨૦૧૨થી અમલમાં આવેલી આ કૃષિ વૈવિધ્યકરણની આ યોજનામાં દર વર્ષે રૂ. ૩૦ થી ૩૫ કરોડના ખર્ચે અંદાજે ૧ લાખથી વધુ આદિજાતિ ખેડૂતોને લાભ આપવામાં આવે છે.

      તદઅનુસાર, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ,પંચમહાલ, છોટાઉદેપૂર અને નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, તાપી, વલસાડ તેમજ ડાંગ એમ ૧૪ આદિજાતિ જિલ્લાના ખેડૂતોને આ યોજનાનો લાભ અપાય છે.

         અત્યાર સુધીમાં આવા 11.69 લાખ ખેડૂતોને અંદાજે રૂપિયા 260 કરોડથી વધુનો યોજનાકીય લાભ અપાયો છે. 

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં આ વર્ષથી ઓનલાઇન પોર્ટલ પર આદિજાતિ લાભાર્થી ખેડૂતોની નોંધણી કરવામાં આવી છે.

     આદિજાતિ ખેડૂતોને હવે કચેરી સુધી અરજી માટે જવું ના પડે તેમજ ઘરે બેઠા પોતાની અરજીની વિગતો જાાણી શકે તેવી આ પારદર્શી પદ્ધતિમાં રજીસ્ટ્રેશનથી લઇને લાભ મંજૂરી સુધી સમગ્ર બાબતો ઓનલાઇન કરવામાં આવી છે..

    મુખ્યમંત્રીએ સાથે રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં ૧૪૩ આશ્રમ શાળાઓને મકાન બાંધકામ માટે રૂ. ૮૩.૯૬ કરોડનું પ્રોત્સાહક અનુદાન પણ એટ સિંગલ કલીક અર્પણ કર્યુ હતું.

      અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે જંગલ અને ડુંગરાળ વિસ્તારમાં વસતા આદિજાતિના બાળકોને શિક્ષણની સુવિધા આપવા રાજ્ય સરકારે આવી આશ્રમ શાળાઓ શરૂ કરેલી છે. 

આદિજાતિ વિભાગ હેઠળની રાજ્યભરની ૬૬૧ જેટલી આશ્રમ શાળાઓમાં અંદાજે ૯૧ હજારથી વધુ આદિજાતિ બાળકોને રહેવા, જમવાની સગવડ સાથે ધોરણ ૧ થી ૧ર નું શિક્ષણ વિનામૂલ્યે અપાય છે. 

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે આદિજાતિ વિસ્તારમાં ખેતીનો વ્યાપ વધે સાથોસાથ આદિજાતિ બાળકોને શિક્ષણની પણ સુવિધા આપી વિકાસની મુખ્ય ધારામાં લાવવાની સરકારની પ્રતિબદ્ધતા આ તકે વ્યકત કરી હતી. 

     તેમણે આદિજાતિ જિલ્લા સાબરકાંઠાના આદિજાતિ લાભાર્થી ખેડૂતો સાથે સંવાદ પણ કર્યો હતો. 

    ખેડૂત લાભાર્થીઓ એ આ યોજના થી મળતી સહાય દ્વારા અનાજ ઉત્પાદન દ્વારા અને વેચાણ થી મોટો આર્થિક આધાર મળ્યો છે તેનો આનંદ વ્યક્ત કરી સરકાર નો આભાર માન્યો હતો.અને યોજનાથી થનારા લાભની વિગતો જાણી હતી.રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ અને આદિજાતિ લાભાર્થી ખેડૂતો ૧૪ જિલ્લા મથકોએથી આ અવસરે જોડાયા હતા.

   કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ મૂકેશ પૂરી,આદિજાતિ વિકાસ સચિવ શ્રી મુરલીકૃષ્ણા, ડી સેગ ના સી ઈ ઓ નિનામા સહિતના  અધિકારીઓ ગાંધીનગરથી આ અવસરે જોડાયા હતા.

(11:13 am IST)