ગુજરાત
News of Tuesday, 24th May 2022

આવતીકાલે નરેશ પટેલ કરી શકે છે મોટી જાહેરાત

નરેશ પટેલના રાજકીય પ્રવેશની અટકળોનો આવશે અંત!

રાજકોટ, તા.૨૪: ગુજરાતના રાજકારણમાં છેલ્લાં કેટલાંય સમયથી ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકીય પ્રવેશને લઇને ચાલતી અટકળોનો આવતી કાલે અંત આવે તેવી શક્‍યતા છે. તાજેતરમાં જ નરેશ પટેલને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્‍યાં છે. આવતી કાલે નરેશ પટેલ રાજકીય પ્રવેશને લઇને મોટી જાહેરાત કરી શકે છે. કારણ કે, નરેશ પટેલે આવતી કાલે મીડિયાને આમંત્રિત કર્યું છે. મીડિયાને આમંત્રિત કરાતા નરેશ પટેલ રાજકીય પ્રવેશને લઇને જાહેરાત કરશે તેવી અટકળો તેજ થઇ ગઇ છે.

ઉલ્લેખનીય છે કે, થોડાંક દિવસો અગાઉ નરેશ પટેલે પાટીદાર નેતાઓ સાથે ૪૫ મિનિટ સુધી બેઠક કરી હતી. ખોડલધામમાં યોજાયેલી આ બેઠકમાં કોંગ્રેસના પાટીદાર નેતા હાર્દિક પટેલ, પાટીદાર નેતા દિનેશ બાંભણિયા,પાસના કન્‍વીનર અલ્‍પેશ કથીરિયા ઉપસ્‍થિત રહ્યાં હતા. આ બેઠકમાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વિકાસ, યુવાનો પર થયેલા કેસ પરત ખેંચવા, રાજકીય પ્રવેશ, હાર્દિક પટેલના રાજકારણ વગેરે મહત્‍વના મુદ્દે ચર્ચા થઈ હતી. આ દરમિયાન નરેશ પટેલે જણાવ્‍યું હતું કે, ‘મારે રાજકારણમાં જવું કે નહીં અને કયા પક્ષમાં જોડાવું તે આગામી દિવસોમાં વધુ ચર્ચા બાદ જાહેર કરીશ. હાર્દિક એટલો મેચ્‍યોર છે કે જે મને સમજાવી શકે છે.' હાર્દિક પટેલના કોંગ્રેસ સાથેના વિવાદ અને ભાજપમાં જોડાવાની અટકળો અંગે પૂછાયેલા પ્રશ્ન અંગે નરેશ પટેલે કહ્યું કે, ‘હાર્દિકનો સ્‍વતંત્ર નિર્ણય છે કે તેને ક્‍યાં પક્ષમાં જવું ક્‍યાં પક્ષમાં ન જવું.

એ સિવાય તાજેતરમાં જ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ નરેશ પટેલને લઇને મહત્‍વનું નિવેદન આપ્‍યું હતું. આ અંગે નિવેદન આપતા જણાવ્‍યું હતું કે, ‘આ અંગેનો જવાબ હું નહી આપી શકું. નરેશ પટેલ પોતે જ પોતાનો નિર્ણય જાહેર કરશે. નરેશ પટેલ સાથે ગઇ કાલે ૨ કલાક ચર્ચા કરી હતી.'

ઉલ્લેખનીય છે કે, થોડાંક દિવસ અગાઉ નરેશ પટેલ અને રઘુ શર્મા વચ્‍ચે ૨ કલાક ચર્ચા ચાલી હતી. જેના કારણે ઘણી અટકળોને વેગ મળ્‍યો હતો. ભાજપના એક ઓપરેશન બાદ હવે કોંગ્રેસ પણ બનતું જોર મારી રાજનૈતિક ગતિવિધિ તેજ કરી રહી છે. હાર્દિક પટેલના રાજીનામાં બાદ કોંગ્રેસ પણ સામે મોટું ઓપરેશન પાર પડે તેવી શક્‍યતા છે. રઘુ શર્મા અને નરેશ પટેલની ૨ દિવસ અગાઉ બે કલાક સુધી ચાલેલી મિટિંગ એ તરફ ઈશારો કરે છે કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ શકે તેવી શક્‍યતા વધારે રહેલી છે.

(10:49 am IST)