ગુજરાત
News of Tuesday, 24th May 2022

વલસાડ : કોલક નદીમાં પથ્થર તોડવા થતાં બ્લાસ્ટથી અનેક મકાનોમાં તીરાડો પડી: ગામલોકો આંદોલન કરશે

ઘરની અંદર વાસણ પડી જાય છે. મકાનની દિવાલ પર તિરાડ પડી જાય છે. બ્લાસ્ટના કારણે લોકોને ઉંઘ પણ આવતી નથી

વલસાડ જિલ્લાના અંબાચ ગામના મકાનમાં તિરાડ, ઘરમાં નુકસાન અને લોકામાં ડરનું કારણ છે તંત્ર. અને કોલક નદીમાં થતા બ્લાસ્ટ. કોલક નદીમાં પથ્થરો તોડવા માટે રાત દિવસ વારંવાર ભૂમાફિયાઓ દ્વારા બ્લાસ્ટ કરવામાં આવે છે. આ બ્લાસ્ટની તિવ્રતા એટલી વધુ હોય છે કે નદી કિનારાથી દૂર મકાનો રીતસર ધ્રુજે છે. ઘરની અંદર વાસણ પડી જાય છે. મકાનની દિવાલ પર તિરાડ પડી જાય છે. બ્લાસ્ટના કારણે લોકોને ઉંઘ પણ આવતી નથી.

આ અંગે સ્થાનિકો દ્વારા વર્ષ 2014થી આ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ હજી સુધી આ સમસ્યાનો કોઇ ઉકેલ આવ્યો નથી. ત્યારે જોખમી ક્વોરીઓ બંધ કરાવવાના આ અભિયાનમાં હવે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ તેમજ વલસાડ જિલ્લા કોંગ્રેસના મહામંત્રીએ પણ ઝંપલાવ્યું છે. તેમણે ગ્રામજનોને એકત્ર કરી રાત્રિસભા શરૂ કરી છે. જો સમસ્યાનો ઉકેલ ન આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે

(12:47 am IST)