ગુજરાત
News of Tuesday, 24th May 2022

અમદાવાદના ખાડિયાની યુવતીએ અઢી દિવસમાં નેપાળ સુધી 1700 કિલોમીટરની બાઈક રાઈડ કરી

ખાડિયા વિસ્તારની ધોબીની ચાલીમાં રહેતી અને ખાનગી કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતી ફોરમ ચુડાસમાએ કંઈક અલગ કરી બતાવ્યું

અમદાવાદ : શું કોઈ યુવતી અઢી દિવસમાં 1700 કિલોમીટરની યાત્રા કરી અમદાવાદથી નેપાળ પહોંચી શકે અને તે પણ બાઇક પર. નહિ ને! પણ આ વાત છે અમદાવાદના ખાડિયામાં રહેતી યુવતીની. જેણે આ કાર્ય કરી બતાવ્યું છે. ખાડિયા વિસ્તારમાં આવેલ ધોબીની ચાલીમાં રહેતી અને ખાનગી કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતી ફોરમ ચુડાસમાએ કંઈક અલગ કરી બતાવ્યું છે. તેણે માત્ર અઢી દિવસમાં અમદાવાદથી નેપાળ 1700 કિલો મીટરની બાઇક રાઈડ કરીને યાત્રા કરી છે અને પોતાનો સંકલ્પ પૂર્ણ કરીને પોતાનું તેમજ  પરિવારનું નામ પણ રોશન કર્યું છે. જે યાત્રા દરમિયાન તેણે થયેલા અનુભવો પણ જણાવ્યા હતા.

ફોરમે જણાવ્યું કે તેને પહેલેથી ફરવાનો અને કંઈક નવું ચેલેન્જિંગ કરવાનો શોખ છે. જેથી ફોરમે 2019 બાઇક રાઈડની શરૂઆત કરી. અને ત્યારથી લઈને તેણે 4 વર્ષમાં નેપાળ સહિત 10 બાઇક રાઈડ કરી છે. જેમાં તેના માટે સૌથી વધુ અઘરી રાઈડ લેહ લદાખની હતી. જે તેણે 16 ઓગસ્ટ 2021 ના રોજથી 1200 કિલો મીટર ફરી 7 દિવસમાં પૂર્ણ કરી હતી. આ રાઈડ પહેલા તેને એક ગ્રુપે મહિલા છે રાઈડ ન કરી શકે તેવા શબ્દો કહ્યા અને તે લાગી આવ્યું. તેણે ઘરે આવીને જાણ કરી અને તેણે લેહ લદાખની રાઈડ કરવા તૈયારી શરૂ કરી. જેમાં તેના પિતા ધર્મેન્દ્ર ચુડાસમાએ પણ હા પુરી અને પોતે સાથે ગયા અને પિતા પુત્રીએ સાથે જ બાઇક રાઈડ કરી આનંદ માણી નવો અનુભવ મેળવ્યો.
આ બાઇક રાઈડ પાછળ ફોરમે તેના પરિવારના સપોર્ટને શ્રેય આપ્યો. આ રાઈડ દરમિયાન ફોરમની માતાને તેની ચિંતા પણ હતી. જોકે ફોરમની માતાએ તેને દીકરી નહિ પણ દીકરી સ્વરૂપે દીકરો આપ્યો છે ભગવાને તેમ મન મનાવી ચિંતા મુક્ત બની. અને આ જ વિશ્વાસે ફોરમના મનોબળમાં વધારો કર્યો અને આજે તેણે આ સિદ્ધિ હાંસલ કરી.

ફોરમ ચુડાસમાનો આ પ્રયાસ કંઈક અલગ કરવાનો હતો.  તેમજ મહિલાઓની ઈચ્છા શક્તિને ઓળખવાનો પણ હતો. જેથી અન્ય મહિલાઓની હિંમત વધે, તેઓ પણ કંઈક અલગ કરી બતાવે. જેથી પોતાની સાથે પરિવાર, શહેર અને રાજ્યનું નામ રોશન થાય.

(12:25 am IST)