ગુજરાત
News of Tuesday, 24th May 2022

કોંગ્રેસ મતદારોને મતદાન મથક સુધી લઇ જવામાં નિષ્ફળ :રેલી અને બેઠકો કર્યા પહેલાં ચૂંટણી મેનેજમેન્ટ કરવાની જરૂર

ઉત્તર ગુજરાતના કોંગ્રેસના મંથનમાં ગ્યાસુદ્દીન શેખે પક્ષ વિરોધી નિવેદન આપ્યું: કહ્યું - કાર્યકર્તા આખી રાત ચવાણું -ભજીયા ખાય અને મતદાન સમયે સુઈ જાય છે. જેથી હાર પાછળ માત્ર EVMને જવાબદાર ઠેરવી શકાય નહીં

અમદાવાદ : કોંગ્રેસના દિગ્ગજ ધારાસભ્યો કોંગ્રેસના મેનેજમેન્ટ સામે જ સવાલ ઊભા કરી રહ્યા છે. ગઈકાલે ધારાસભ્ય શિવા ભુરિયાએ પણ પક્ષ વિરોધી નિવેદન આપ્યું હતું. તો આજે ગ્યાસુદ્દીન શેખે ચૂંટણીના આયોજન અને કોંગ્રેસ કાર્યકર્તાને લઈ પક્ષ સામે સવાલ ઊભા કર્યા છે.
ઉત્તર ગુજરાતના કોંગ્રેસના મંથનમાં ગ્યાસુદ્દીન શેખે પક્ષ વિરોધી નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ EVMના કારણે નહીં, પરંતુ ચૂંટણી મેનેજમેન્ટના અભાવથી હારે છે. કોંગ્રેસના કાર્યકરો ચૂંટણીના 2 દિવસ અગાઉ કામ કરતા નથી. ઉપરાંત કોંગ્રેસના પોલિંગ એજન્ટ ન હોવાથી ભાજપ EVMમાં બટનો દબાવે છે. કાર્યકર્તા આખી રાત ચવાણું -ભજીયા ખાય અને મતદાન સમયે સુઈ જાય છે. જેથી હાર પાછળ માત્ર EVMને જવાબદાર ઠેરવી શકાય નહીં. વધુમાં તેમણે કહ્યું કે, કોંગ્રેસ મતદારોને મતદાન મથક સુધી લઇ જવામાં નિષ્ફળ નિવળી છે. જેથી પાર્ટીએ લોકસંપર્કમાં વધારો કરવાની જરૂર છે. સભા, રેલી અને બેઠકો કર્યા પહેલાં કોંગ્રેસે ચૂંટણી મેનેજમેન્ટ કરવાની જરૂર છે.

આમ ચૂંટણી પહેલા ધારાસભ્યોનો આવા નિવેદનો માંડ માંડ ગુજરાતમાં ઊભી થઈ રહેલી કોંગ્રેસને નુકસાન પહોંચાડી શકે છે. મેનેજમેન્ટ થકી કાર્યકર્તાના પર ગ્યાસુદ્દીન શેખે સીધા પ્રહાર કર્યા હતા જે તેના જુસ્સાને ઑછો કરી શકે છે તેવી ચર્ચા જાગી છે

(10:52 pm IST)