ગુજરાત
News of Friday, 23rd February 2018

તલાટી કમ મંત્રીની નોકરીની લાલચ આપીને 30 લાખની ઠગાઈ

રાજકોટના જમીન દલાલ અશોક ચાવડાએ અમદાવાદના શશાંક દેસાઈ,શ્વેતા દેસાઈ અને અરુણ વ્યાસ સામે ફરિયાદ

 

અમદાવાદ :લાયકાત અને મહેનત વિના તલાટી કમ મંત્રીની નોકરી લેવા નીકળેલા ત્રણ લોકો પાસેથી ૩૦ લાખની ઠગાઈ થયાંની ફરિયાદ બાદ વાડજ પોલીસે તપાસ શરુ કરી પૂરાવા મેળવવા કાર્યવાહી આરંભી છે.

   રાજકોટના જમીન દલાલ અશોકભાઈ ચાવડાએ શશાંક શરદચંદ્ર દેસાઈ, શશાંકની પત્ની શ્વેતા (બંને રહે. પ્રત્યક્ષા એપાર્ટમેન્ટ, નવા વાડજ) અને અરુણ વ્યાસ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી મુજબ દસેક વર્ષ અગાઉ અશોકભાઈ ચાવડાના પરિચયમાં આવેલા શશાંક દેસાઈએ પોતાની પત્ની શ્વેતાને સચિવાલયમાં કોન્ટેક હોવાથી ખાલસા થયેલી જમીન ક્લિયર કરાવી આપશે તેવી વાત કરતા ત્રણેક ફાઈલ તેમને આપી હતી. સામાજિક પ્રસંગે એકબીજાને મળતા હોવાથી સરકારના વેઈટિંગ લિસ્ટમાં નામ દાખલ કરાવી નોકરી અપાવવાની વાત કરી હતી. હાલ સરકારી તલાટી કમ મંત્રીનું વેઈટિંગ લિસ્ટ તૈયાર છે તેમ શંશાકે કહેતા અશોકભાઈએ વાતમાં રસ દાખવ્યો હતો.

    અશોકભાઈએ રાજકોટના નરેશ સોડાભાઈ કારેઠા, હાર્દિક દેવાયતભાઈ સાવસેતા અને ધ્રાંગધાના મેહુલ રતિલાલ પટેલને વાત કરતા તેઓ વિના મહેનતે નોકરી મેળવવા લાલચમાં આવી ગયા હતા.પ્રત્યેક ઉમેદવારના ૧૦ લાખ પેટે સોદો નક્કી થતા શશાંક અને શ્વેતાએ કોરા સ્ટેમ્પ પેપર અને અભ્યાસની માર્કશીટ મંગાવી હતી. ગત ઓગસ્ટના રોજ ત્રણેય ઉમેદવાર અને અશોકભાઈને લઈને દેસાઈ દંપતી નવા સચિવાલય ગેટ નં. પાસે અધિકારીને મળવા ગયા હતા. જયાં એક કારમાં આવેલા અરુણ વ્યાસ નામના શખ્સે તમારુ કામ બે મહિનામાં થઈ જશે, પેમેન્ટ ક્લિયર કરી દો તેમ કહી દસ્તાવેજોની નકલ લઈને ચાલ્યા ગયા હતા. જેથી ત્રણેય જણાએ ૩૦ લાખ રોકડા દેસાઈ દંપતીને ચૂકવ્યા હતા અને ગેરંટી પેટે સહી કરેલો કોરો ચેક આપ્યો હતો.

   ગત ઓકટોબરના રોજ જિલ્લા પંચાયત ગાંધીનગરના બોગસ રાઉન્ડ સીલ અને અધિકારીઓની બોગસ સહીવાળા કોલ લેટર દેસાઈ દંપતીએ ત્રણેય ઉમદવારોને પધરાવી દીધા હતા. જે કોલ લેટર બોગસ હોવાનું સામે આવતા છેતરપિંડીનો અહેસાસ થતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

(1:02 am IST)